- ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે દેખાડી માનવતા
- ધારાસભ્ય કોરોના કાળમાં મોભી ગુમાવનારા બાળકોનો ભણવાનો ખર્ચ ઉપાડશે
- ધારાસભ્ય નિઃસહાય પરિવારના બાળકોની આર્થિક જરૂરિયાતો પણ પૂરી કરશે
અમદાવાદઃ કોરોના કાળમાં અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારની મદદ માટે આગળ આવી છે. ત્યારે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના કાળમાં જે પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હશે અને જેમની પાસે કોઈ આધાર નથી તેવા પરિવારના બાળકોનો ભણવાનો ખર્ચ તેઓ પોતે ઉપાડશે. આ સાથે જ આર્થિક જરૂરિયાતો પણ પૂરી કરશે.
નિઃસહાય પરિવારના બાળકોનું ભણતર ન બગડે તે માટે ધારાસભ્યની પહેલ
ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં જે લોકોએ પોતાના ઘરના મોભી આ કોરોનાના કપરા કાળમાં ગુમાવ્યા હોય તેવા લોકોના બાળકો જેમની જવાબદારી હવે કોઈ ઉપાડી શકે નહીં તેવા પરિવારો કે જેઓ નિઃસહાય બન્યા હોય. તેમના દીકરા-દીકરીઓનું ભણતર ન બગડે તે માટે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે આ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. આ સાથે જ આર્થિક જરૂરિયાતો પણ પુરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી
50 જરૂરિયાતમંદ પરિવારોને કરાશે મદદ
આ ઉપરાંત જે પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોય અને રોજગારીનું કોઈ સાધન ન હોય તેવા 50 પરિવારોને આગામી એક વર્ષ માટે ઘઉં, ચોખા, દાળ, તેલ, ખાંડ અને મસાલા જરૂરિયાત પ્રમાણે કરિયાણું ભરી આપવામાં આવશે તેવો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ માટે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે અને જો કોઈ વ્યક્તિ પોતાની માહિતી જાહેર કરવા ન માગે તો તે ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન દ્વારા દરેક ધારાસભ્યને પોતાની ગ્રાન્ટમાંથી કોરોનામાં હોસ્પિટલના સાધનો માટે ફંડ ફાળવવાની વાત કરી હતી. તે માટે પણ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.