અમદાવાદ: શહેરની વસ્ત્રાપુર પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરાવવા નવા-નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે વધુ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ દ્વારા સાયકલ પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પેટ્રેલિંગમાં જોડાયેલા કર્મીઓ સિવિલ ડ્રેસમાં રહે છે અને જરૂર જણાય ત્યાં પહોંચીને કાર્યવાહી કરે છે. આ પોલીસકર્મીઓની સાથે શી ટિમ પણ રહે છે.
કેટલાક સ્થળે લોકો પોલીસ કે પોલીસની ગાડી જોઈને જ ભાગી જતા હોય છે, ત્યારે હવે લોકો અજાણ રહે તે રીતે પોલીસ સ્થળ પર પહોંચી શકે તે માટે સાઇકલ પર સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયોગ શરૂ કરતાંની સાથે પોલીસે કેટલાક લોકોની જાહેરનામનો ભંગ કરતા અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ આ પ્રયોગ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી શકે છે.