- અમદાવાદમાં અનેક જગ્યાએ કોરોનાના ટેસ્ટિંગ ડોમ પડી ગયા
- તૌકતે વાવાઝોડાની અસરના કારણે તમામ ડોમ પડી ગયા છે
- ETV Bharatની ટીમે પડી ગયેલા કોરોનાના ટેસ્ટિંગ ડોમની તપાસ કરી
- આરોગ્ય અધિકારીએ સાંજ સુધીમાં ફરી ડોમ શરૂ થવાની હૈયા ધારણા આપી
અમદાવાદઃ શહેરમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ કોરોનાના ટેસ્ટિંગ ડોમ પડી ગયા હતા. આ અંગે ETV Bharatની ટીમે વિવિધ જગ્યાએ તપાસ કરી હતી. આ અંગે અમદાવાદના મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ડોમ ફરીથી કાર્યરત કરી દેવામાં આવશે, પરંતુ પહેલાની જેમ તમામ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે નહીં. જ્યાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટિંગ કરવા આવતા હતા ત્યાં જ માત્ર શરૂ કરવામાં આવશે. જ્યારે બાકીનું ટેસ્ટિંગ નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ અગાઉ અમદાવાદમાં 112 જેટલા ડોમ કાર્યરત હતા, જેની સંખ્યામાં ઘટાડો કરી હવે માત્ર સો જેટલા જ કાર્યરત કરાશે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ઉડ્યા
પ્રભાત ચોકના સર્કલ પાસે કચરાની જેમ પડ્યા છે ટેસ્ટિંગના પોસ્ટર
પ્રભાત ચોક કે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ કરાવવા આવતા હતા. અહીં, વાવાઝોડા પહેલાં વહેલી સવારથી જ લોકો ટેસ્ટિંગની લાઈનમાં ઊભા રહેતા હતા, પરંતુ હાલ ડોમ કાર્યરત ન હોવાથી અહીં મેડિકલ સ્ટાફ કે ટેસ્ટિંગ કરવા આવનારાઓની ભીડ લાગી નથી. જોકે, ટેસ્ટિંગ ડોમ ગઈકાલે ફરીથી ઊભા કરવાના હતા. ત્યાં આજે ડોમના પોસ્ટર, ઈલેક્ટ્રિક વાયર કચરાની જેમ પ્રભાત ચોક સર્કલની અંદર પડ્યા છે.
ETV Bharatની ટીમે બોડકદેવ, વાડજ, ઘાટલોડિયા જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જ્યાં અગાઉ ટેસ્ટિંગ ડોમ હતા ત્યાં ફરીથી ડોમ લગાડવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરી હતી, પરંતુ આજે પણ સતત બીજા દિવસે ટેસ્ટિંગ ડોમ કાર્યરત નથી. અમદાવાદના મેમનગર, ભૂયંગદેવ, પ્રભાતચોક, વાડજ જેવા વિસ્તારોમાં તપાસ કરતા ડોંમ કાર્યરત હતા.