- નવા મુખ્યપ્રધાન 2017માં 1 કરોડ 51 લાખની મિલકતના માલિક
- 2017ના રીટર્નમાં 30 લાખની આવક દર્શાવી હતી
- તેમના નામે કોઈ કૃષિ જમીન નથી
અમદાવાદ- ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 2016-17માં આવકવેરાનું રીટર્ન ફાઈલ કર્યું હતું, તે મુજબ જોઈએ તો તેમણે આવકવેરાના રીટર્નમાં પોતાના નામે રૂપિયા 30 લાખ 36 હજાર 528ની આવક દર્શાવી છે તેમજ તેમની પત્ની હેતલબહેનના નામે રૂપિયા 3 લાખ 86 હજાર 823ની આવક દર્શાવી છે તેમજ એચયુએફના નામે રૂપિયા 2,35,366ની આવક દર્શાવી છે. ભૂપેન્દ્ર પટેલ પોતે કે તેમના પરિવાર પાસે કૃષિને લગતી કોઈ જમીન નથી, આમ તેમણે 2017માં કરેલા દસ્તાવેજમાં નોંધ્યું છે.
હાથ પર રોકડ અને એફડી
હાથ પર રોકડની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ પાસે 2017માં રૂપિયા 47,449 હતા, પત્ની પાસે રૂપિયા 35,589 હતા અને એચયુએફમાં રૂપિયા 56,318 હતા. ફિકસ્ડ ડીપોઝિટમાં રોકાણ જોઈએ તો ભૂપેન્દ્ર પટેલના નામે રૂપિયા 1,15,431ની એફડી છે. પત્ની હેતલબહેનના નામે રૂપિયા 63,627ની એફડી છે અને એચયુએફના નામે રૂપિયા 80,699વની એફડી છે. ભૂપેન્દ્રભાઈ કે તેમના પરિવારે શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ જ રોકાણ કર્યું નથી.
કેટલો વીમો લીધો છે
વીમાની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે પોતાના નામનો રૂપિયા એક કરોડ 23 લાખનો વીમો લીધો છે અને પત્નીના નામે 16 લાખનો વીમો છે. આપેલી લોન અને પેશગીની રકમ પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલના નામે રૂપિયા 8,50,000ની આપેલી લોન છે અને પત્નીના નામે રૂપિયા 29,37,000 તેમજ એચયુએફમાં રૂપિયા 24,89,000 છે. તેમની પાસે હુંડાઈની આઈ-20 કાર છે અને પત્ની પાસે હોન્ડા એક્ટિવા છે.
સોનું-ચાંદી કેટલા પડ્યા છે
ભૂપેન્દ્ર પટેલ પાસે રૂપિયા 16 લાખ 75 હજારના ઝવેરાત અને સોનાચાંદી છે તેમજ પત્નીના નામે રૂપિયા 25 લાખ 15 હજારના ઝવેરાત અને સોનું ચાંદી છે. આમ ભૂપેન્દ્ર પટેલ પાસે રહેલી કુલ મિલકતનું મુલ્ય જોવા જઈએ તો રૂપિયા 1 કરોડ 51 લાખ 17 હજાર 645 રૂપિયાની છે તેમજ પત્નીના નામે કુલ મિલકત રૂપિયા 71 લાખ 94 હજાર 081 છે અને એચયુએફમાં કુલ મિલકત રૂપિયા 26 લાખ 27 હજાર 009 છે.