- ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ ATS ઓફિસની મુલાકાત લીધી
- ગૃહ રાજ્યપ્રધાન બન્યા પછી હર્ષ સંઘવીની આ પહેલી મુલાકાત
- DGP, ATS આઈજી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
- ATSના અતિ આધુનિક હથિયારો અને વાહનોની ગૃહ રાજ્યપ્રધાનને માહિતી આપી
- ગૃહ રાજ્યપ્રધાને ATSના હેરોઈન ડિટેક્શન અને અશરફની ધરપકડની કામગીરીના કર્યા વખાણ
અમદાવાદઃ રાજ્યના નવનિયુક્ત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સોમવારે અમદાવાદમાં આવેલી ATS ઓફિસની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ગૃહ રાજ્યપ્રધાન બન્યા પછી તેમની આ પહેલી મુલાકાત હતી. તે દરમિયાન ગૃહ રાજ્યપ્રધાને ATSની કામગીરીના વખાણ કર્યા હતા. તેમની સાથે રાજ્યના DGP આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ATSના અધિકારીઓએ હથિયારો અને વાહનો અંગેની માહિતી ગૃહ રાજ્યપ્રધાનને આપી હતી.
આ પણ વાંચો- અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન સરહદ સુરક્ષા મુખ્ય મુદ્દો બન્યો : ગૃહપ્રધાન
પોલીસ વિભાગને જોઈએ એ તમામ મદદ મળશેઃ ગૃહ રાજ્યપ્રધાન
ગૃહ રાજ્યપ્રધાને ATSના હેરોઈન ડિટેક્શન અને અશરફની ધરપકડની કામગીરીના વખાણ કર્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ સશક્ત પોલીસ છે. ગુજરાત પોલીસ રાજ્યની સીમાને સુરક્ષિત કરશે. રાજ્યમાં કોઈ હેરાફેરી કરવાનો પ્રયાસ થયો છે ત્યારે મોટા ઓપરેશન કરાયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ વિભાગને જરૂર પડે ત્યારે મને કહેશે તો હું તમામ મદદ કરીશ. આ ઉપરાંત હથિયારોમાં ટેકનોલોજીમાં નવી ટેકનોલોજી વિકસાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.
આ પણ વાંચો- ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગૃહ વિભાગની મુલાકાત લીધી, રવિવારના દિવસે પણ ગૃહવિભાગની કામગીરી નિહાળવા પહોંચ્યા
ગૃહ રાજ્યપ્રધાને DGP અને ATSના વડા સાથે બેઠક કરી
આ સાથે જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના DGP, ATSના વડા સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે ATSની તમામ માહિતી મેળવી હતી. આ ઉપરાંત ડ્રગ્સનો કાળો કારોબાર કેવી રીતે રોકી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.