- અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
- જિલ્લામાં 100 ટકા વેક્સિનની કામગીરી પૂર્ણ કરવા અપાયો આદેશ
- પાકના 'મોડેલ ફાર્મ' બનાવી ખેડૂતો સાથે મુલાકાત કરવા જણાવાયું
અમદાવાદ : જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી દિશા મોનિટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિગતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
વિકાસ કામોના ટાર્ગેટ પૂર્ણ કરવા સૂચન
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી તાલુકા- જિલ્લા સ્તરે સંકલન અને સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા અને જિલ્લાના વિકાસની ગતિ આગળ ધપાવવા સૌ પ્રયત્નશીલ બને તેવા પ્રયાસ કરવા જણાવાયું હતું.
રસીકરણ માટે જરૂર પડે ઘરે-ઘરે જવા અને કેમ્પ યોજવા સૂચન
પ્રધાન અમિત શાહે વિકાસ કામગીરીની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણની ઝુંબેશ ઘનિષ્ઠ રીતે હાથ ધરી 30મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રસીકરણ ડોઝનો લક્ષ્યાંક 100 ટકા સિદ્ધ કરવા તાકીદ કરી હતી. આ સાથે સાથે સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું છે, તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.
માં-કાર્ડ યોજનાનું વિસ્તરણ કરવા સૂચન
માં કાર્ડ સંદર્ભે અમિત શાહે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યને સ્પર્શતી આ કામગીરી તાત્કાલિક કરાય તે જરૂરી છે. જનતાની આરોગ્ય સંભાળને લગતા વિવિધ સંસાધનોનું વ્યવસ્થાપન પણ સુંદર રીતે કરવા કેંદ્રીય પ્રધાને સૂચના આપી હતી. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત, ઉજજ્વલા યોજના, NFSA, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના નાગરીક સુધી પહોચાડવા જે તે વિસ્તારમાં કેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે.
ઓર્ગેનિક ખેતીમાં પ્રગતિ કરો
કૃષિલક્ષી બાબતો અંગેની સમીક્ષા કરતા કેંદ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદા-જુદા પાકો માટે અલગ વાતાવરણ હોય છે, ત્યારે વિવિધ તાલુકામાં વિવિધ પાકના 'મોડેલ ફાર્મ' બનાવી ખેડૂતોને મુલાકાત કરાવવી જોઈએ. જેથી ખેડૂતો 'ક્રોપ પેટર્ન ચેન્જ' અપનાવી ઉત્પાદનમાં વૈવિધ્યપણું લાવી શકે.
17 મોડલ ગામમાં કામગીરી
કેંદ્રીય પ્રધાને ઉમેર્યું હતું કે, સ્વામીત્વ યોજનામાં દસક્રોઈ તાલુકાના પસંદ કરાયેલા 17 ગામોમાં મોડેલ કામગીરી કરી અમદાવાદ જિલ્લો અગ્રેસર ભૂમિકા ભજવી શકે તેમ છે. આ બેઠકમાં રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તથા જન ઔષધિ કેન્દ્રો ગ્રામ વિસ્તારમાં વધુ કાર્યાન્વિત કરાય તે સમયની માંગ છે. આ ઉપરાંત ટી.પી. યોજનાઓ, વૃદ્ધ સહાય, વિધવા સહાય તથા મહાનગરપાલિકાને સ્પર્શતી યોજનાઓને વધુ પરિણામલક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો.
બેઠકમાં અધિકારીઓ રહ્યા હાજર
આ બેઠકમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમ સાંસદ કિરીટ સોલંકી, રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ પ્રધાન કૌશિક પટેલ, ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, અરવિંદ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ બેઠકમાં જોડાયા હતા.