અમદાવાદઃ અમદાવાદમાં વહેલી સવારે ચાર વાગ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણી-પાણી કરી દીધા છે. જ્યારે વરસાદને પગલે 228 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા.
અમદાવાદમાં આજે રવિવારે વહેલી સવારે 4થી 6 વાગ્યામાં પોણા બે ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. જેથી ઓછા સમયમાં વધુ વરસાદ વરસતા અનેક સ્થળોએ પાણી ભરાયા હતાં. જ્યારે વરસાદને પગલે 228 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે શહેરનાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષ પડવાની ફરિયાદ કંટ્રોલ રૂમને મળી હતી. વૃક્ષ પડવાને કારણે રસ્તા પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન એકશન પ્લાન બનાવવામાં આવે છે. શહેરના પડેલા વૃક્ષની ઝોન પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં 61, દક્ષિણ ઝોનમાં 55, ઉત્તર પશ્વિમમાં 38, પૂર્વમાં 32, ઉત્તરમાં 15, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 15 અને મધ્ય ઝોનમાં 12 વૃક્ષ જમીન દોસ્ત થયા હતા. જેથી કુલ સાત ઝોનમાં 228 વૃક્ષ ધરાશાયી થયા હતાં.