- કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર
- આગામી ચાર દિવસમાં પારો 40 ડિગ્રીને પાર થશે
- ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી સામાન્ય કરતાં વધારે તાપમાન રહેશે
અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરુઆત થઈ રહી છે. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થાય તેવી હવામાન વિભાગ આગાહી કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી સામાન્ય કરતાં વધારે તાપમાન રહે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરુઆત થતાંની સાથે જ અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ નગરજનોને થવા લાગ્યો છે.
આ પણ વાંચોઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે: હવામાન વિભાગ
અમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ ગરમીમાં થશે વધારો
શહેરમાં મહત્તમ તાપમાન લગભગ ઉનાળામાં 45 ડિગ્રીને પાર થતું હોય છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તેમાં આગામી 13 માર્ચથી જ મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થાય તેવી પૂરી શક્યતાઓ છે. શહેરમાં દિવસ દરમિયાન અમદાવાદમાં મહત્તમ ટેમ્પરેચર 37થી પાર જાય અને રાત્રિએ 19.7 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ બાદ 38 ડીગ્રીથી વધુ તાપમાન પાર કરી 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માર્ચની શરુઆતથી ગરમી વધવા લાગે છે. જોકે હજુ પણ સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ઉનાળાને લઈને વધુ ગરમી પડે તેવું પૂર્વાનુમાન દર્શાવાયું છે ત્યારે રાજ્યના લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.