અમદાવાદ: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ દ્વારા દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ હાર્દિક પટેલના ઘરની આસપાસ ફરી રહી છે અને તેની ધરપકડ કરે તેવી શક્યતા છે. વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડની ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા અજ્ઞાત ટોળા સામે FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદાર હાર્દિક પટેલના નામનો સમાવેશ થતો નથી. હાર્દિક પટેલ ટોળામાં સંડોવાયેલા નથી, તેમ છતાં પોલીસ સરકારી દબાણ હેઠળ હાર્દિકની ધરપકડ કરી શકે છે.
કોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, વર્તમાન સતાધારી પક્ષ સાથે જોડાયેલા કેતન પટેલ દ્વારા GMDC ગ્રાઉન્ડના કાર્યક્રમની મંજૂરી લેવામાં આવી હતી. હાર્દિક પટેલને મુખ્ય બોલવાચક તરીકે બોલાવવામાં આવ્યા હતા. જો કે, તેમના દ્વારા કરવામાં આવેલી માગ યોગ્ય હોવાથી સરકારે કેટલીક નીતિઓમાં ફેરફાર પણ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન બાદ થયેલી હિંસાના આરોપસર રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો. જેની ટ્રાયલમાં હાર્દિક ગેરહાજર રહેતા તેમની વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢવામાં આવ્યું હતું. હાર્દિકની ધરપકડ બાદ તેમને કોર્ટે જામીન આપ્યા હતા. હાર્દિક જેલમાંથી બહાર આવે ત્યાં અન્ય એક કેસમાં સિદ્ધપુર પોલીસ દ્વારા હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં પણ સ્થાનિક કોર્ટ દ્વારા હાર્દિકને જામીન આપવામાં આવ્યા હતા.