- આજ દિન સુધીનું ગુજરાતનું સૌથી મોટુ બજેટ
- દરેક ક્ષેત્ર માટે રૂપિયા અપાયા
- પ્રજા પર કરબોજ વગરનું બજેટ
અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રજૂ કરાયેલા બજેટ ઉપર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આજ દિન સુધી રજૂ કરાયેલા ગુજરાતના બજેટમાં આ સૌથી મોટું બજેટ છે.
કોરોના કાળમાં સરકારની આવક ઘટી છતાં વિકાસ અટક્યો નહીં: સી. આર. પાટીલ
આ બજેટમાં દરેક ક્ષેત્ર માટે પૈસાની ફાળવણી કરવામાં આવી છે. કોરોના કાળમાં સરકારની આવક ઘટી હોવા છતાં, વિકાસનું કાર્ય અટક્યું નથી. કોઈ પણ પ્રકારનો વધારાનો કરબોજ પ્રજા ઉપર લાદવામાં આવ્યો નથી. વધુમાં કોરોનાને કારણે બંધ કરાયેલી ધારાસભ્યની ગ્રાન્ટ પણ ફરી શરૂ કરાઇ છે, જેનો લાભ તે વિધાનસભા ક્ષેત્રના નાગરિકોને મળશે.
ગુજરાતમાં ભાજપની ભારે બહુમતી બાદનું બજેટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો એક તરફી વિજય થયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, વિરોધ પક્ષની ભૂમિકામાં પણ કોંગ્રેસ નથી, ત્યારે આ બજેટથી લોકોને ખૂબ જ આશા હતી હવે 2022 બતાવી આપશે કે આ બજેટ અને આવનારા બજેટને પ્રજાનો કેવો પ્રતિસાદ સાંપડે છે.