અમદાવાદ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869માં ગુજરાતના પોરબંદર જિલ્લામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. જે બાદ મોનદાસ ગાંધી બ્રિટન ગયા અને બેરિસ્ટર બન્યા. બેરિસ્ટરના કામથી જ તેમને સાઉથ આફ્રિકા ગયા, જ્યાં કાળા-ગોરાની રંગભેદ નીતિથી તેમનું હૃદય વિચલિત થયુ હતું. તેમને સત્યાગ્રહ નામના અહિંસક શસ્ત્રનો સાઉથ આફ્રિકામાં ઉપયોગ કરીને સફળતાપૂર્વક ક્રાંતિ કરી હતી.
મહાત્મા ગાંધી 1915માં ભારતના મુંબઈ બંદરે પહોંચ્યા. ભારતમાં તેમણે સૌપ્રથમ ગુજરાતના અમદાવાદમાં પાલડી ખાતે કોચરબ આશ્રમની સ્થાપના કરી, પરંતુ પ્લેગની બીમારી ફાટી નીકળતા તેનાથી ચારેક કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે શાંત જગ્યાએ 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ત્યાંથી તેમણે ભારતની આઝાદીની રચનાત્મક ચળવળનો પ્રારંભ કર્યો, તેમ કહી શકાય. અહીંયા તેમણે આઝાદીની સાથે સમાજ સુધારણાની અને આત્મનિર્ભર થવાની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી. જેમાની એક એટલે ચરખા પર સૂતર કાંતવું.
અંગ્રેજો ભારતમાંથી વધુ લાભ મેળવવા માટે અહીથી સુતરાઉ કાપડનો કાચો માલ ઈંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંની ફેક્ટરીમાંથી તૈયાર માલ અને કપડાં તેઓ લાવીને ભારતના બજારમાં વેચતા. આમ ભારતને બે પ્રકારનો આર્થિક ફટકો પડતો પહેલો કે, ભારતમાંથી પૂંજી ઈંગ્લેન્ડ પહોંચતી અને બીજું અહીંના હાથ કારીગરો બેકાર બનતા. ગાંધીજીના નજરમાં આ મુદ્દો આવતા તેમણે સૌપ્રથમ સ્વદેશી વસ્તુ અને સ્વદેશી કાપડનો આગ્રહ રાખ્યો અને ઘરે-ઘરે રેંટિયો ફરતો કર્યો.
ગાંધીજી વિશે કેટલીક એવી વાતો છે કે, જે ઘણા લોકો નથી જાણતા. આવી જ એક વાત એટલે ગાંધીજીને સૌપ્રથમ ચરખા ઉપર સુતર કાંતવાનું શીખવનાર વ્યક્તિ એટલે રામજી બઢિયા.
થોડાક જ સમયના ગાળા બાદ ગાંધીજીએ રામજીભાઈને અમરેલીથી અમદાવાદના સાબરમતી આશ્રમ આવવા તેડું મોકલ્યું. બાપુના આદેશથી રામજીભાઈ પોતાના કુટુંબ અને હાથશાળના સાધનો સાથે અમદાવાદના ગાંધી આશ્રમ આવી પહોંચ્યા. આશ્રમમાં જ રહીને ખાદીનું કામ કરતા અને ગાંધીજી તેમજ અન્યોને પણ શીખવતા. રામજીભાઈએ ગાંધીજી ઉપરાંત અનેક મહત્વના અને ક્રાંતિકારી વ્યક્તિઓને પણ સૂતર કાંતતા શીખવ્યું. જેમાં સરદાર પટેલ, ખાન અબ્દુલ ગફાર ખાન અને રાજેન્દ્ર પ્રસાદનો પણ સમાવેશ થાય છે.
ભારતના ઇતિહાસમાં અને ગાંધીજીના જીવનનો સૌથી મહત્વનો પ્રસંગ હોય તો 'સવિનય કાનૂનભંગ'નો પ્રસંગ. અમદાવાદના સાબરમતી આશ્રમથી 79 લોકો સાથે ગાંધીજી 12 માર્ચ,1930માં મીઠાનો કાયદો તોડવા દાંડી તરફ જવા પ્રયાણ કરે છે. આ દાંડી યાત્રામાં જોડાયેલા લોકોમાંથી રામજીભાઈના પરિવારના ત્રણ સભ્યોએ આ બહુમાન પ્રાપ્ત કર્યું હતું. રામજીભાઈના માતા ગૌરીબેને કૂચ કરતી વખતે ગાંધીજી અને રામજીભાઈ સહિત બધા સૈનિકોને કુમકુમ તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા હતા. રામજીભાઇ વિજયાલક્ષ્મી પંડિત સાથે રહી આખા કાઠિયાવાડમાં ફર્યા હતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેનું કાર્ય કર્યું હતું.
ગાંધીજી સાથે રામજીભાઇના અનેક પ્રસંગો છે, જેમાં એકવાર ગાંધીજીએ મહાજનના હાથનો દૂધનો પ્યાલો રામજીભાઈને પીવા આપી દીધો હતો.આ ઉપરાંત રામજીભાઈ અને તેમની પત્ની ગંગાબેને ગાંધીજીની કપડાને લઈને સમસ્યાઓ પણ દૂર કરી હતી. ગાંધીજીએ રામજીભાઈ સાથેના પ્રસંગનો ઉલ્લેખ તેમની આત્મકથામાં પણ કરેલ છે. ગાંધી આશ્રમમાં દૈનિક પ્રાર્થના માટે પણ રામજીભાઈ હાજર રહેતા.
ગાંધીજી જ્યારે આશ્રમ છોડીને ગયા ત્યારે આશ્રમમાં 107 માણસો રહેતા હતા અને આશ્રમ ટ્રસ્ટ રજિસ્ટર થયેલું હતું. તેની અંદર રહેવા માટે ગાંધીજીએ રામજીભાઈને ભાડા ચિઠ્ઠી પણ લખી આપી હતી. આજે તેમના પ્રપૌત્ર જનેશ બઢીયા પણ ગાંધી આશ્રમની સામે જ રહે છે. તેમને પોતાના પરદાદા રામજીભાઈ બઢિયા પર પુસ્તક પણ લખ્યું છે. આ ઉપરાંત તેમણે પણ ભારતના દિગ્ગજ નેતાઓને ચરખા વિશે માહિતી આપી છે. તેમને ગૌરવ છે કે, તેઓ ક્રાંતિકારી પરદાદાના પ્રપૌત્ર છે.