- મહેશ કનોડિયા બાદ નરેશ કનોડિયાનું નિધન
- 48 કલાકમાં બન્ને ભાઈઓનું થયું નિધન
- આજીવન એકસાથે રહ્યાં બન્ને ભાઈઓ
- મહેશ કનોડિયા હાર્ટ એટેકથી અને નરેશ કનોડિયા કોવિડ 19થી મોતને ભેટ્યાં
ગાંધીનગર : 25 ઓક્ટોબરના દિવસે મહેશ કનોડિયાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજયું હતું. શનિવારે રાત્રે તેઓ સૂતાં હતાં ત્યારબાદ રવિવારે ઊઠ્યાં નહીં એટલે કે મધરાત્રે તેમનું અવસાન થયું હતું. જ્યારે છેલ્લા દસ દિવસથી નરેશ કનોડિયા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં હતાં. ત્યારે દિવસેને દિવસે નરેશ કનોડિયાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી જ્યારે આજે સવારે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં ત્યારે ગાંધીનગર સેક્ટર આઠ ખાતે આવેલ કનોડિયા હાઉસમાં દુઃખનો પહાડ તૂટ્યો છે.
- 48 કલાકમાં બન્ને ભાઈઓના મોત, એક જ સ્મશાનગૃહમાં થશે વિધિ
ઉલ્લેખનીય છે કે 48 કલાકની અંદર જ બંને ભાઈઓના દુઃખદ અવસાન થયાં છે ત્યારે મહેશ કનોડિયાને ગાંધીનગર સેક્ટર 30 ખાતેના સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે લઈ જવામાં આવ્યાં હતાં. હવે નરેશ કનોડિયાને પણ સેક્ટર 30ના સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે લઈ જવામાં આવશે.
- છેલ્લા દિવસોમાં તેરે બીના ભી ક્યા જીના ગીત સાથે ગાયું હતું
પેરાલીસીસના કારણે છેલ્લાં કેટલાય વર્ષોથી મહેશ કનોડિયા બેડ રેસ્ટ ઉપર હતાં ત્યારે અમુક દિવસો પહેલાં જ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાએ હિન્દી ફિલ્મનું ગીત તેરે બિના ભી કયા જીના ઓ સાથી રે એક સાથે ગાયું હતું અને વિડીયો પણ શેર કર્યો હતો. ત્યારે આ ગીત ખરેખર તેમના જીવન સાથે જોડાયેલું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 25 ઓક્ટોબરના દિવસે મહેશ કનોડિયા અને 27 ઓક્ટોબરના દિવસે નરેશ કનોડિયાનું અવસાન થયું છે.
- નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય : અરવિંદ વેગડાએ ગીત ગાઈને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતી ગીત કલાકાર અરવિંદ વેગડાએ પણ નરેશ કનોડિયાના દુઃખદ અવસાન પર નહીં રે ભૂલાય નરેશ કનોડિયા નહી રે ભૂલાયનું ગીત ગાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ તેઓએ ભૂતકાળને વાગોળતાં જણાવ્યું હતું કે જ્યારે મહેશ અને નરેશ કનોડિયાની જોડી સ્ટેજ પર પરફોર્મ કરતી હોય ત્યારે હું તેમને જોતો હતો અને તેમના જેવો જ બનવાનું સ્વપ્ન રાખતો હતો. જ્યારે પણ હું તેઓને મળતો હતો ત્યારે ત્યારે તેમને એક જ કહેતો હતો મારે પણ તમારા જેવું બનવું છે લોકોના હૃદયમાં સ્થાન મેળવવું છે.