અમદાવાદ: વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University signed MOU) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીમાં સ્કિલ આધારિત કોર્સની જાગૃકત્તા કેળવાય તે હેતુસર વિવિધ કંપની સાથે MOU કરવામાં આવ્યા છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ દિલ્હી સ્થિત એજ્યુ સ્કિલ સાથે વિવિધ 17 સ્કિલ બેઝ્ડ કોર્સ (Skill based course) અંતર્ગત MOU કર્યા છે. જેથી GSETના વિદ્યાર્થીઓ ફ્રીમાં વિશ્વ વિખ્યાત 6 સંસ્થાના કોર્સ કરી શકશે.
GTU અને એજ્યુ સ્કિલ વચ્ચે MOU
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ગ્લોબલાઈઝેશન કારણે આંત્રપ્રિન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટે સ્કિલ આધારિત અનેક તકો ઉપસ્થિત થયેલી છે. આ MOU થકી વિદ્યાર્થીઓની સ્કિલમાં વધારો થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. આ MOU પર જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન ખેર, એજ્યુ સ્કિલના CEO સુભાજીત જગાદેવ અને ઈન્ડિયન સોસાયટી ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ ડૉ. પ્રતાપસિહ દેસાઈએ હસ્તાક્ષર કર્યા હતાં.
એજ્યુ સ્કિલના MOUથી ફાયદો થશે
એજ્યુ સ્કિલ સાથે કરવામાં આવેલા આ MOUથી ગ્લોબલી એક્રિડેટેડ અન્ય 6 સંસ્થાઓ સિસ્કો નેટવર્કિંગ એકેડમી, બ્લુ પ્રિઝમ યુનિવર્સિટી, એમેઝોન વેબ સર્વર, રેડ હેટ એકેડમી, માઈક્રોચીપ અને પોલો અલ્ટો સાયબર સિક્યોરિટી એકેડમી જેવી સંસ્થાઓના વિવિધ કોર્સ GTU ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના (Graduate School of Engineering and Technology) વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કરી શકશે.
આ પણ વાંચો: GTUના વિદ્યાર્થીઓએ 2 યુનિટ લાઈટ બિલના ખર્ચમાં 80 કિમી ચાલતું ઈલેક્ટ્રીક બાઈક બનાવ્યું
GTU સંલગ્ન કોલેજમાં સેમિનારનું આયોજન કરાશે
મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ , સાયબર સિક્યોરિટી, ક્લાઉડ અને નેટવર્ક સિક્યોરિટી જેવા સ્કિલ બેઝ્ડ અને રોજગારલક્ષી કોર્સ આગામી દિવસોમાં ઓનલાઈન માધ્યમ થકી GTU GSETના વિદ્યાર્થીઓ કરી શકશે. GTU સંલગ્ન કોલેજોમાં પણ આ સંદર્ભે જાગૃકત્તા કેળવાય તે હેતુસર આગામી દિવસોમાં સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.