ETV Bharat / city

ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને સ્પષ્ટ નિર્દેશ - મનપાની કોઈ પણ મનમાની ચલાવી લેવી જોઈએ નહીં - રાજ્ય સરકારને નિર્દેશ

મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટમાં કોરોના મુદ્દે થયેલી સુનવણીમાં ફરીથી અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી હતી. ચીફ જસ્ટિસ વિક્રમ નાથે સવાલ કર્યો હતો કે, AMC કેમ રિયલ ટાઈમ બેડની માહિતી ડેશબોર્ડ પર મૂકતું નથી. જે માહિતી હાલ મૂકાય છે, તે દિવસમાં માત્ર બે વખત જ અપડેટ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં તેનાથી વિપરિત રાજકોટ, જામનગર, સુરત તમામ જિલ્લાઓ માહિતી મૂકતા હોય તો અમદાવાદ મહાનગરપાલિકા કેમ નથી મૂકી રહ્યું. શું હાઇકોર્ટનો ઓર્ડર AMCને માન્ય નથી?, તેવો સવાલ પણ કોર્ટે કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : May 4, 2021, 5:45 PM IST

  • ગુજરાત હાઇકોર્ટમાં કોરોના મુદ્દે થઇ સુનાવણી
  • અમદાવાદ મનપા રાજ્ય સરકારના દિશા નિર્દેશોની અનદેખાઈ ન કરે તે સુનિશ્ચિત કરે - હાઇકોર્ટ
  • આગામી સુનાવણી 11 મે ના રોજ યોજાશે

અમદાવાદ : મંગળવારના રોજ યોજાયેલી સુનવણીમાં મનપા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સિનિયર એડવોકેટ્સની અરજીઓ અને સોગંદનામાની રજૂઆતો જોઈને હાઇકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે કે, અમદાવાદ મનપા રાજ્ય સરકારના દિશા નિર્દેશોની અનદેખાઈ ન કરે તે સુનિશ્ચિત કરે. અમદાવાદ મનપાના આવા નિર્ણયોને બિલકુલ પણ સહન ન કરવામાં આવે, તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. આ અંગે આગામી સુનવણી 11 મે ના રોજ કરવામાં આવશે.

વકીલોએ શું રજૂઆત કરી?

પરસી કાવીના, સિનિયર એડવોકેટ

સિનિયર એડવોકેટ પરસી કાવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સાયલામાં વેન્ટિલેટરની સુવિધા નથી. ધન્વંતરી વાન કે જેમાં મોટાભાગની સુવિધા ઉભી કરવામાં આવી છે, તે PHC સેન્ટરના છાંયડે ઉભી હોય છે. ગામડાઓની વાત તો ઠીક પણ DRDO સંચાલિત 900 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઉપયોગમાં લઇ શકતા નથી. કારણ કે, અન્ય રિસોર્સીસનો અભાવ છે. આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, 23 એપ્રિલના રોજ 1 લાખ 89 હજાર ટેસ્ટિંગ એક દિવસમાં કરવામાં આવતા હતા, જે હવે ઘટીને 1 લાખ 37 હજાર કરી દેવામાં આવ્યા છે.

મનપાની કોઈ પણ મનમાની ચલાવી લેવી જોઈએ નહીં

આ પણ વાંચો - AMCના આદેશ બાદ હોસ્પિટલ બહાર લાગ્યા બેડ અંગેના બોર્ડ

શાલીન મહેતા, એડવોકેટ

એડવોકેટ શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, હોસ્પિટલ સંચાલકોનું કહેવું છે કે, દર્દીને વધુ પ્રમાણમાં ઓક્સિજન જોઈએ છે, પણ અમે ઓછું જ આપીશું. તેમને હાઇકોર્ટે દરખાસ્ત કરી હતી કે, હોસ્પિટલની આવી કામગીરી સામે તાત્કાલિક રોક લગાવવામાં આવે. જો હોસ્પિટલને ઓક્સિજનની વધુ જરૂર હોય તો તેમને સરકાર પાસેથી માંગે. આ વચ્ચે હોસ્પિટલ સંચાલકો તરફથી થતી વધુ એક ચાલાકીની પણ પોલ ખૂલી પડી છે, જેમાં ઘણી હોસ્પિટલમાં દર્દીને એડમીટ કરતા પહેલા જ તેની પાસે સહી કરાવી લેવામાં આવી રહી છે કે, તે ઓક્સિજનની માંગણી નહીં કરે.

આ પણ વાંચો - 900 બેડની ધનવન્તરી હોસ્પિટલમાં ટોકનથી મળતી સારવારને લઇ હાઇકોર્ટમાં અરજી

ડૉ. આનંદ યાજ્ઞિક, એડવોકેટ

એડવોકેટ આનંદ યાજ્ઞિકે કોરોના સમયે બાળકો અને મહિલાઓ પર કોર્ટનું ધ્યાન દોર્યું કર્યું હતું. તેમને સરકારી, અર્ધ સરકારી શાળાઓમાં ભણતા બાળકોને સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટની સુવિધા આગામી શૈક્ષણિક સત્રમાં પહોંચતી થાય, તેવા પ્રયાસો કરે તે અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત આંગણવાડીના બાળકો, જૂવેનાઇલ હોમ, નારી નિકેતનના બાળકોને પણ સુવિધા આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સગર્ભા મહિલાઓને અલગથી સુવિધા મળે તે માટેની રજૂઆત કરવમાં આવી હતી.

ધારાસભ્યોને 25 લાખ સિવાય 1.5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે - આનંદ યાજ્ઞિક

એડવોકેટ આનંદ યાજ્ઞિકે રજૂઆત કરતા કોર્ટમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતા ધારાસભ્યો તેમના વિસ્તારમાં બેડ, એમ્બ્યુલન્સ, મેડિકલની સુવિધા ઉભી કરી શકે, તે માટે તેમને 1.5 લાખની ગ્રાન્ટ આપવામાં આવે.

આ પણ વાંચો - સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે

108 પોતાની રીતે નિષ્ફળ ગઈ છે - હાઇકોર્ટ

અમદાવાદ મનપાનો પક્ષ મૂકતા એડવોકેટ મિહિર જોશીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કોર્ટ અમદાવાદ મનપાને ફ્રી બેડમાં માત્ર 108 થકી જ સારવાર મેળવવાની શરતને મંજૂર રાખે અને બાકીના બેડમાં મનપા ખાનગી વાહનોમાં આવનારા દર્દીઓને સારવાર આપવા તૈયાર છે, પણ હાઇકોર્ટે આ વાતને ગ્રાહ્ય રાખી ન હતી. તેમને જણાવ્યું હતું કે, હાલના સમયમાં 108 એક મોટી નિષ્ફળતા છે.

આ પણ વાંચો - ગુજરાત હાઇકોર્ટનો સરકારને સવાલ - જો લેબોરેટરીઝ અને નવી મશીનરી ન નંખાઈ હોય તો ટેસ્ટિંગ કઈ રીતે વધ્યા ?

ટેસ્ટિંગને લઇ ગઈ વખતે આપવામાં આવેલી માહિતી અમારી ગેરસમજ - સરકાર

ગુજરાત એડવોકેટ એસોસિયેશનના સેક્રેટરી, હાર્દિક બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે RT-PCR ટેસ્ટિંગ ઘટ્યા છે અને લેબોરેટરી વધી છે. આ વાત પર હાઇકોર્ટે ટકોર કરતા સરકારે માફી માંગી હતી. સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, જૂની એફિડેવિટમાં જે માહિતી આપી એ અમારી સમજફેર હતી અથવા તો આંકડાકીય વિસંગતતા હતી. આ ભૂલ જાણી જોઈને નહીં થઇ હોવાનું સરકારે જણાવ્યું હતું. વધુમાં કોર્ટે જણાવ્યું હતું કે, 108ને લઇ અમદાવાદ મનપા અને રાજ્યની એક જ પોલિસી રહેવી જોઈએ અને સરકારે મનપાની કોઈ પણ મનમાની ચલાવી લેવી જોઈએ નહીં.

આ પણ વાંચો - ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોશિએશને નાના જિલ્લાઓમાં કોરોનાની વ્યવસ્થાના અભાવને લઇ કોર્ટમાં અરજી કરી

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 11 મે ના રોજ થશે સુનાવણી

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 18 લોકોના મોતનો મામલે પણ હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે. આ અરજીઓની સુનાવણી 11 મે ના રોજ કરવામાં આવશે. મંગળવારના રોજ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ભરૂચની હોસ્પિટલમાં 18 નિર્દોષ મૃતકો પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આવનારી 10 મે સુધીમાં રાજ્ય સરકાર અને કોર્પોરેશનને જવાબ આપવા હુકમ કરવામાં આવ્યો છે. આ સુનવણી 11 મે ના રોજ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.