અમદાવાદ: કોરોના વૉરિયર તરીકે કામ કરતા ડૉકટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર કોરોના ટેસ્ટની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદ્દે મંગળવારે જસ્ટિસ સોનિયા ગોકાણી અને એન.વી. અંજારીયાની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર, ICMR અને આરોગ્ય વિભાગને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 19મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં માગ કરવામાં આવી છે કે, આરોગ્ય વિભાગ દ્વારા 2 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવને રદ કરવામાં આવે. આ ઠરાવ મુજબ ડૉક્ટર, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ સહિતના લોકોને કોરોનાના RT-PCR ટેસ્ટ માટે પરવાનગી લેવાની જરૂર પડે છે.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી 2 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવ પર સ્ટે આપવામાં આવે. હાઈકોર્ટે આ મુદ્દે તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. નોંધનીય છે કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટે આપેલા ચૂકાદામાં ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલને RT-PCR ટેસ્ટ કરવા મુદ્દે રાજ્ય સરકારની પરવાનગી લેવામાંથી છૂટ આપી હતી.
હાઈકોર્ટે આપેલા ચૂકાદામાં નોંધ્યું હતું કે, દર્દીઓનું વહેલું નિદાન થઈ શકે એ માટે રાજ્ય સરકાર વહેલી તકે કોરોના ટેસ્ટના રિપોર્ટ દર્દીઓને આપે. અગાઉ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલને દર્દીઓના કોરોનાના RT-PCR ટેસ્ટ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી.