- દારુબંધીને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સતત ત્રીજા દિવસે સુનવણી
- કોર્ટે સુનવણીના ત્રીજા દિવસે પણ પોતાનો ચુકાદો અનામત રાખ્યો
- એડવોકેટ જનરલે હાઇકોર્ટને અધિકાર ન હોવાની કરી રજૂઆત
અમદાવાદ : એકતરફ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો (Prohibition Act of Gujarat) છે. ત્યારે બીજી તરફ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High court) માં કોઈ વ્યક્તિ ચાર દિવાલની અંદર બેસી દારૂ પીવે તો એ તેનો ગુપ્તતાનો અધિકાર છે, તે મુદ્દે સતત ત્રીજા દિવસથી સુનવણી થઇ રહી હતી. જોકે આ અરજી ગુજરાત હાઇકોર્ટ માટે પાત્ર નથી. કારણ કે સુપ્રીમ કોર્ટે અગાઉ આ મુદ્દે ચુકાદો આપ્યો છે. તેથી અરજદારોએ આ મુદ્દે સુનવણી કરવી હોય તો તેમણે સુપ્રીમ કોર્ટ પાસે જવું પડે તેવી રજૂઆત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં કરી હતી. આજે સતત ત્રીજા દિવસે આ મુદ્દે સુનવણી થતાં કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ઘરે બેસીને દારૂ પીવે તો તેને રોકવાનો સરકાર પાસે અધિકાર
એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં જે કાયદો માન્યો હોય તેને આજે અમાન્ય ઠેરવી શકાય નહીં. હાઇકોર્ટને દારૂબંધીનો કાયદો યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર નથી. વળી, અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કોઈ વ્યક્તિ નોનવેજ ખાય તો આગામી સમયમાં સરકાર તેના પર રોક લગાવી શકે. તે ક્યાં સુધી યોગ્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતા એડવોકેટ જનરલે કહ્યું હતું કે, વ્યક્તિ ઘરે નોનવેજ ખાય તો તેને રોકી શકાય નહીં પરંતુ ઘરે બેસીને દારૂ પીવે તો તેને રોકવાનો રાજ્ય સરકારનો અધિકાર છે. કારણ કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો (Prohibition Act) લાગુ છે.