- વિક્રમ નાથના સમયમાં ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનારી ભારતની પ્રથમ હાઈકોર્ટ બની
- ન્યાયધીશ બેલા ત્રિવેદી 2011 થી ગુજરાત HC ના ન્યાયાધીશ
- બન્ને ન્યાયધીશોએ કોરોના સુઓમોટોની સુનાવણી કરી હતી
અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે લાખો રાજ્યવાસીઓને કોરોનાની બીજી લહેર માંથી તાત્કાલિક ઉગારવા માટે મહત્વના આદેશો આપનાર ન્યાયાધીશ વિક્રમ નાથની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેની પસંદગી થઇ છે, ત્યારે નવા મુખ્ય ન્યાયાધિશ તરીકે જસ્ટિસ વિનીત કોઠારીની નિમણુંકની વરણી કરવામાં આવી છે. જેની શુ્રવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વિક્રમ નાથ ટૂંક સમયમાં જ સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ તરીકેની જવાબદારી સંભાળશે. આ સાથે સુપ્રીમ કોર્ટના પ્રથમ ગુજરાતી મહિલા ન્યાયાધીશ તરીકે બેલા એમ. ત્રિવેદીની પસંદગી થઇ છે. આજે ગુરુવારે લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રી દ્વારા આ માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
ન્યાયાધિશ વિનિત કોઠારીનું વતન રાજસ્થાન
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વિક્રમ નાથ બાદ સિન્યોરીટી મુજબ જસ્ટિસ વિનીત કોઠારી સિનિયર ન્યાયાધિશ છે. ન્યાયાધિશ વિનિત કોઠારી મદ્રાસ હાઇકોર્ટમાં પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે, તેઓ મુળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. આ સાથે, રાજસ્થાન હાઇકોર્ટ, કર્ણાટક હાઇકોર્ટમાં પણ પોતે ન્યાયાધિશ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ આંતરરાષ્ટ્રીય એસોસિએશન અને ટેક્ષ જજીસ બોર્ડમાં સાથે સાથે CMJA લંડનના મેમ્બર પણ રહી ચુક્યા છે.
વિક્રમનાથ હવે ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેનો પદભાર સંભાળશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. આ ભલામણને કેન્દ્ર સરકારે મંજૂરી આપતા આજે હુકમ કર્યો હતો. 25 મા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ હવે ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકેનો પદભાર સંભાળશે. ગુજરાત હાઇકોર્ટના બન્ને ન્યાયધીશોએ કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારના દરેક અસુવિધાજનક નિર્ણયો સામે સરકાર અને જનતાનું ચોક્કસ માર્ગદર્શન કરી સહભાગી અને સર્વગ્રાહી આદેશ આપ્યા હતા. આ સાથે તેમના કાર્યકાળ સમયે જ ઇ-સેવા જેવી સરળ અને સુચારુ વ્યવસ્થા કે જેમાં સામાન્ય જનતા ઘરે બેસી કેસ સ્ટેટ્સ જાણી અને તમામ ડિજિટલ સુવિધા મેળવતા થયા છે.