અમદાવાદ: અત્યાર સુધીના ઈતિહાસમાં ધો.12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાની તારીખ પ્રથમવાર નક્કી કરાયેલી તારીખે લેવાઇ જ નથી. કોઈને કોઈ કારણોસર ગુજકેટ પરીક્ષાની તારીખો બદલાતી જ રહે છે. ગત વર્ષે ચૂંટણી સહિતના અનેક કારણોસર ત્રણ વાર તારીખ બદલવી પડી હતી અને આ વર્ષે કોરોનાને પગલે પણ તારીખ બદલવી પડી છે.
કોરોનાને પગલે શિક્ષણ વિભાગે 30 માર્ચે યોજાનાર ગુજકેટ પરીક્ષા મોકુફ કરી દીધી હતી અને 30મી જુલાઈએ રાખી હતી પરંતુ લોકડાઉન અંતર્ગત 31 જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવાના સરકારના આદેશને પગલે 30 જુલાઈની તારીખ પણ બદલવામા આવી અને 22મી ઑગસ્ટ રાખવામાં આવી હતી.
પરંતુ આ દિવસે જૈન તહેવાર અને ગણેશચતુર્થીની રજા આવતી હોવાથી મોડેમોડે સરકાર જાગી છે અને પરીક્ષાની તારીખ ફરી બદલવી પડી છે. આગામી 24 ઑગસ્ટના રોજ આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.