- કોરોનાને લઈને ગુજરાતીઓ માટે સારા સમાચાર
- રાજ્યમાં સતત થઈ રહ્યો છે કોરોનાના કેસમાં ઘટાડો
- રાજ્યમાં 24 કલાકમાં 1110 પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ: ગુજરાતીઓ માટે કોરોનાને લઈને સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1110 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 11 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ 1236 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1110 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 12881 છે. સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,29,913 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં રિકવરી રેટ 92.57 ટકા થયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1236 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,12,839 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ જે ગઈકાલે 92.48 ટકા હતો, તે આજે વધીને 92.57 ટકા થયો છે.
આજે 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કોરોનાના 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 87,80,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજની તારીખે કુલ 5,35,922 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,35,789 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 133 વ્યક્તિઓને ફેસિલિટી કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલમાં કુલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,820 લોકોના સ્થિતિ સ્ટેબલ છે.
કોરોનાથી અમદાવાદમાં 8ના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 11 રહ્યો છે. ગઈકાલે પણ 11 દર્દીના મોત થયા હતા. આજે અમદાવાદમાં 8ના મોત, સુરતમાં 2 અને મહેસાણામાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે. અમદાવાદમાં આજે કોરોનાના નવા 237 કેસ નોંધાયા છે. સુરતમાં 167 નવા કેસ, વડોદરામાં 143 નવા કેસ, રાજકોટમાં 124 નવા કેસ, મહેસાણામાં 44 નવા કેસ અને ગાંધીનગરમાં 51 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.