- વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન ફરજીયાત કરાઈ
- આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા અગાઉ વેક્સિન ફરજીયાત
- 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના તમામ વિદ્યાર્થીઓએ લેવી પડશે વેક્સિન
અમદાવાદ: સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે 1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજીયાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદના GTU કેમ્પસમાં કોરોના વિસ્ફોટ
વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય
આ સંદર્ભે GTUના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, GTUમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવિડ-19ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાનિ ન થાય તે હેતુસર વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે GTU દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરીપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા ફોર્મ ભરી શકશે.