- જીટીયુના અધ્યાપિકાને મળ્યું મોટું સન્માન
- ગ્લોબલ આઈકોનિક એજ્યુકેશનિસ્ટ એવોર્ડ એનાયત થયો
- સાયબર સિક્યોરીટીઝ એજ્યુકેશન અને રીસર્ચમાં યોગદાન બદલ એવોર્ડ એનાયત કરાયો
અમદાવાદઃ દિલ્હી ખાતેથી સંચાલિત ગોલ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે ગરીબી, સ્વાસ્થ્ય , સ્કીલ ડેવલોપમેન્ટ અને લિટ્રસી જેવા વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ વર્ષ-2016થી જુદી-જુદી કેટેગરીમાં એવોર્ડ જાહેર કરવામાં આવે છે. ભારત અને નેપાળમાંથી આ સંદર્ભે અરજીઓ મંગાવીને પસંદગી કરવામાં આવે છે. જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી ખાતે કાર્યરત પ્રોફેસર સીમા જોશી દ્વારા બ્લૉકચેઈન ટેક્નોલોજી અને સાઈબર સિક્યોરીટીઝના ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ વર્ષ-2020 માટેનો “ગ્લોબલ આઈકોનિક એજ્યુકેશનિસ્ટ” એવોર્ડ એનાયત કરાયો છે.
20થી વધુ રીસર્ચ પેપર રજૂ કર્યાં છે
મહત્ત્વનું છે કે સીમા જોષી દ્વારા અત્યાર સુધીમાં 20થી વધારે રીસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના દ્વારા લખાયેલ “ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામીંગ ઈન જાવા” અને “કમ્પ્યુટર પ્રોગ્રામીંગ-2” નામના પુસ્તક અનુક્રમે જીટીયુ અને મુંબઈ યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે. ભારત અને નેપાળમાંથી મંગાયેલ અરજીઓમાં સાયબર સિક્યોરીટીઝ એજ્યુકેશન અને રીસર્ચ કેટેગરીમાં એકમાત્ર તેઓની પસંદગી કરવામાં આવેલ છે. જીટીયુ પરિવાર અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે.