- અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ ચેરપર્સન મોના દેસાઈએ કોરોનાની રસી લીધી
- અત્યારે કોરોનાની રસી જ કોવિડ સામેનો શ્રેષ્ઠ ઉપાય
- 28 દિવસ બાદ બીજો ડોઝ
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં સિનિયર ડૉક્ટરોએ રસી લઈને વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ રસી લેનારા તબીબોમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ ચેરમેન ડૉક્ટર કેતન દેસાઈ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ ચેરપર્સન ડૉક્ટર મોના દેસાઈએ કોરોનાની રસી લીધી હતી. આમ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ મહિલા તબીબ તરીકે રસી લેવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું હતું.
રસીને લઈને મોના દેસાઈ ઉત્સાહિત
ડૉક્ટર મોના દેસાઈએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહિલા તબીબ તરીકે સૌપ્રથમ તેમને રસી આપવામાં આવી છે. જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. રસી લીધાના દોઢ કલાક બાદ પણ તેમને કોઈ આડઅસર થઇ નથી. ઈમરજન્સી વપરાશ માટે ભલે આ રસી તૈયાર કરાઇ છે, પરંતુ સુરક્ષાના માપદંડો સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરાઇ નથી.
મેડિકલ કર્મીઓ બાદ 50 વર્ષથી વધુના પ્રૌઢ વ્યક્તિઓને રસીકરણ
આરોગ્ય કર્મીઓ બાદ, પ્રૌઢ વ્યક્તિઓ અને સામાન્ય લોકોને રસી આપવામાં આવશે, ત્યારે મોના દેસાઈએ લોકોને રસીને લઈને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. આ રસી વિનામૂલ્યે અપાય છે. સામાન્ય રીતે જ્યારે કોઈપણ વ્યક્તિને રસી આપવામાં આવે છે, ત્યારે ઝીણો તાવ, શરીરનો દુઃખાવો, રસી અપાઇ હોય તે ભાગમાં સામાન્ય સોજો આવતો હોય છે. જેને લઈને ગભરાવવાની જરૂર નથી. અત્યારે કોરોના સામે કોઇ દવા કારગર નથી, ત્યારે રસી જ એક માત્ર ઉપાય છે.
રસી આપવાની રીત
આ રસી 2 ડોઝમાં આપવામાં આવે છે. આજે શનિવારે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને બીજો ડોઝ એક મહિના બાદ અપાશે. પહેલો ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. જેમને કોરોના વાઇરસ થયો હોય, તેમને પણ 2 ડોઝ લેવા જ પડશે. કોરોના મટી ગયાના પણ 30 દિવસ બાદ રસીના બે ડોઝ લેવા પડશે. બીજો ડોઝ લીધાના 15 દિવસ પછી શરીરમાં એન્ટીબોડી વિકસિત થઇ જાય છે.
ભારતની કંપનીઓને રસી બનાવવાનો અનુભવ
ફોરેનમાં કોરોનાની રસીને લઈને જે આડઅસરો નોંધાઇ છે, ત્યાં આધુનિક પદ્ધતિથી રસી બની છે. આપણા દેશના તે પદ્ધતિથી રસી વિકસિત કરવામાં આવતી નથી. જેમ બીજી રસીઓ અત્યારે તૈયાર કરાય છે, તે પ્રમાણે જ આ રસી બનાવી છે. ફક્ત વાઇરસ બદલાયો છે. ભારતની કંપનીઓ પાસે આવી રસી બનાવવાનો પહેલેથી જ અનુભવ હતો. જેનો લાભ આપણને સૌને મળ્યો છે.