- ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભામાં આવેલ છે રાણીપ વોર્ડ
- અમદાવાદના પશ્ચિમ ઝોનમાં રાણીપ વોર્ડનો સમાવેશ થાય છે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર લોકસભા અંતર્ગત અહીંથી કરે છે મતદાન
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી છે. ભાજપ હોય કે, કોંગ્રેસ દરેક પક્ષમાં ટિકિટને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે. વર્તમાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. AMC અંતર્ગત 48 વોર્ડ આવેલા છે. જેમાં રાણીપ વોર્ડ ખૂબ જ મહત્વનો છે.
વોર્ડ પરિચય
રાણીપ વોર્ડનો સમાવેશ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જ્યાંથી ચૂંટણી લડ્યા છે. તેવા ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં થાય છે. તો આ વોર્ડ સાબરમતી વિધાનસભા અંતર્ગત આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આ વોર્ડનો સમાવેશ પશ્ચિમ ઝોનમાં થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી અંતર્ગત આ વોર્ડમાં જ આવેલી એક શાળામાં મતદાન કરવા આવે છે. ઉલ્લેખનીય છે કે, 2010ની કોર્પોરેશનની ચૂંટણી પહેલા આ વોર્ડ નગરપાલિકા અંતર્ગત હતો પરંતુ જ્યારથી કોર્પોરેશન અંતર્ગત આ વોર્ડ આવ્યો છે.
વોર્ડમાં ભાજપના કોર્પોરેટરની સત્તાધારી પેનલ
વર્તમાનમાં આબવોર્ડમાં ભાજપના ચાર કોર્પોરેટરો છે. જેના નામ નીચે મુજબ છે.
1. ગીતા પટેલ
2. વર્ષા પંચાલ
3. ભદ્રેશ મકવાણા
4. દશરથ પટેલ
આ પહેલા અહીં ભાજપના જ અશોક વાઘેલા, યોગેશ પટેલ અને જ્યોત્સના ડાભી કોર્પોરેટર હતા.
ચૂંટણીમાં વસ્તીના સમીકરણો
જો વોર્ડના જાતીય સમીકરણની વાત કરવામાં આવે તો અહીં પાટીદાર, ઓબીસી અને શિડયુલ કાસ્ટના વોટર્સનો દબદબો છે. વળી વોર્ડમાં કાળીગામ, ચેનપુર અને રાણીપ અંતર્ગત રાજસ્થાની લોકો અને કારીગર વર્ગનો પણ સમાવેશ થાય છે. ઓબીસી વર્ગ અંતર્ગત ઠાકોર અને પંચાલની વસ્તી વધુ છે. જેમના લગભગ 18 હજાર વોટ છે. જ્યારે શિડયુલ કાસ્ટના લગભગ 13 હજાર વોટ છે.
કોર્પોરેટરના પાંચ વર્ષના કાર્ય
કોર્પોરેટર ગીતાબેન પટેલે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પહેલા આ વિસ્તાર નગરપાલિકામાં હતો અને જ્યારે કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યારે કાળીગામ, ચેનપુર જેવા બેટ સમા વિસ્તારો પણ આ વોર્ડમાં આવ્યા જેથી પાણીની ખૂબ જ તકલીફ હતી. આ વાતને ધ્યાનમાં રાખીને 168 કરોડના ખર્ચે પંપિંગ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે રાણીપ બસસ્ટેન્ડ પાસે છે. આ ઉપરાંત રસ્તાઓને જોડવા માટે રાણીપ, ચેનપુર અને કાળીગામ ગામ ખાતે અંડરપાસનું કાર્ય કરવામાં આવ્યું છે. રાણીપ મધ્યેથી રેલવે લાઇન પસાર થતી હોવાથી નાગરિકોને આવવા-જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. તેથી ઓવરબ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
નવું અર્બન હેલ્થ સેન્ટર 1.10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું
95 ટકા સોસાયટીઓમાં લાઈટ રસ્તા અને પેવર બ્લોકનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. વોર્ડમાં ગાર્ડનોનું પણ આધુનિકી કરણ કરાઈ રહ્યું છે. નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે. આ ઉપરાંત કોમ્યુનિટી હોલનું નિર્માણ પણ ભાજપની સરકારમાં થયું છે. પાંચ વર્ષમાં મળેલી તમામ ગ્રાન્ટને વિકાસ કાર્યો પાછળ વાપરવાનો કોર્પોરેટર ગીતા પટેલે દાવો કર્યો હતો. જો કે ઇટીવી ભારતે નોંધ્યું હતું કે, વોર્ડમાં બાંકડા મૂકવા પાછળ અને સોસાયટીઓના મેઈન બોર્ડ અને ડાયરેક્શન બોર્ડ પાછળ વધુ રૂપિયા ખર્ચાયા છે. કલ્ચરલ સેન્ટર લગભગ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જ્યારે નવું અર્બન હેલ્થ સેન્ટર 1.10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.
વોર્ડના આગામી તેમજ ચાલુ કાર્યો
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટરોની ટર્મ પૂરી થઇ ગઇ છે પરંતુ કેટલાય કાર્યો હજુ ચાલું છે. જ્યારે કેટલાક કાર્યો મંજૂરી હેઠળ છે. આ વોર્ડમાં લાઈબ્રેરી અને જિમ્નેશિયમ 5.37 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે, જે મંજૂરી હેઠળ છે. 04 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ પણ મંજૂરી હેઠળ છે. 5.40 કરોડના ખર્ચે વોર્ડમાં ગાર્ડન કરવાનું કાર્ય પણ મંજૂરી હેઠળ છે. 5.15 કરોડના ખર્ચે ચેનપુરથી ગોદરેજ ગાર્ડન સીટી સુધી પાણીની પાઇપ નાખવામાં આવી છે. ઉપરાંત વોર્ડમાં અનેક જગ્યાએ જૂની અને જર્જરીત થઇ ગયેલી આંગણવાડીઓને તોડીને નવેસરથી આંગણવાડીઓ બનાવાઈ રહી છે. જેમાં કેટલીક જગ્યાએ કાર્ય શરૂ થઇ ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં રાણીપ વોર્ડની સબ ઝોનલ ઓફિસ લગભગ 1.5 કરોડના ખર્ચે બની રહી છે. જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે રોડ અને ગટર સરફેસિંગના કાર્યો ચાલી રહ્યા છે.
ફરી ટીકીટ કોને મળશે ?
ઉલ્લેખનીય છે કે, ભાજપની સેન્સ પ્રક્રિયામાં રાણીપ વોર્ડમાંથી 45 જેટલા ફોર્મ આવ્યા છે. જ્યારે વર્તમાન કોર્પોરેટરોની ઉંમર પણ 60 વર્ષની અંદર છે. ત્યારે બધા જ કોર્પોરેટરો પણ ટિકિટની માગ કરી છે. ત્યારે ટીકીટ કોને મળશે ? એ તો ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી બહાર પડે ત્યારે જ ખબર પડશે.