- ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં શરૂ કરાઈ ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ
- ટીમ દ્વારા ગંભીર દર્દીઓની તપાસ કરીને સારવાર માટે મોકલાશે
- ગંભીર દર્દીઓને કોઈ પણ વાહનમાં પ્રવેશ આપવામાં આવશે
અમદાવાદ: ગુજરાત સરકાર અને DRDOના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર સારી રીતે થઈ શકે તે માટે તંત્ર દ્વારા મોડેથી સવલત ઉભી કરાઈ છે. દર્દીઓ માટે ટોકન સિસ્ટમ લાગુ કરાયા બાદ હવે એક ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરાઈ છે. આ ટીમ દ્વારા ગંભીર દર્દીઓની તપાસ કરીને તેમને સીધા જ સારવાર માટે દાખલ કરવામાં આવશે.
હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે કર્યા સુધારા
GMDC ગ્રાઉન્ડ ખાતે 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ તે વખતે માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. જેના કારણે હજારો દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. જોકે, સરકારના આ નિર્ણયને હાઈકોર્ટે વખોડ્યો હતો. જેના બીજા જ દિવસે સરકારે તે નિર્ણય પાછો ખેંચીને કોઈ પણ વાહનમાં આવતા દર્દીને સારવાર આપવાની જાહેરાત કરી હતી. હવે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ દ્વારા પ્રાયોરિટી કેસમાં દર્દીઓની સીધી ભરતી કરી આપશે.