- બાળકને મ્યુકોરમાઈકોસીસ થયો હોવાનો અમદાવાદમાં રાજ્યનો પ્રથમ કેસ નોંધાયો
- બાળકને એકાદ મહિના પહેલા થયો હતો કોરોના, રિકવરી બાદ લાગ્યું ઇન્ફેક્શન
- મ્યુકોરમાઈકોસીસથી બચવા માટેનો સૌથી મોટો રસ્તો એ જ છે કે, કોરોનાથી બચો
અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં કોરોના મહામારી જાહેર કરવામાં આવી છે, પરંતુ કોરોનાની સારવાર બાદ દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસનું સંક્રમણ સામે આવી રહ્યું છે. આ બીમારીના કેસો વધ્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઈકોસીસને પણ મહામારી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મ્યુકોરમાઈકોસીસને લગતી તમામ દવાઓ હવે સરકાર હસ્તક જ દર્દીઓને આપવામાં આવી રહી છે. કારણ કે, આ રોગની સારવારમાં આપવામાં આવતાં ઈન્જેકશન ની ઘટ વર્તાઇ રહી છે.
કો-મોર્બિડિટી સિવાયના દર્દીને મ્યુકોરમાઈકોસીસ થયો હોવાનો પ્રથમ કિસ્સો
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કો-મોર્બિડ દર્દીઓને સારવાર દરમિયાન સ્ટીરોઈડની દવાઓ આપવામાં આવતી હતી. આ દર્દીઓમાં મ્યુકોરમાઈકોસીસના લક્ષણો દેખાતા હતા. પરંતુ અમદાવાદમાં રાજ્યનો પ્રથમ એવો કેસ નોંધાયો છે કે જેમાં બાળકને મ્યુકોરમાઈકોસીસ થયું હોય. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો હતો. હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે. ડોક્ટરોનું માનવું છે કે, રિકવરી આવ્યા બાદ તેને થોડા દિવસમાં રજા પણ આપી દેવામાં આવશે.
બાળકને 10 દિવસ સુધી કોરોનાની સારવાર આપવામાં આવી હતી
મ્યુકોરમાઈકોસીસના બાળ દર્દીની સારવાર કરનારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. અભિષેક બંસલના જણાવ્યા પ્રમાણે, "14 એપ્રિલના રોજ આ બાળકને કોરોના થયો હતો અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. 10 દિવસ સુધી બાળકને કોરોનાની સારવાર આપવામાં આવી હતી. આ સારવાર દરમિયાન તેને ઓક્સિજનની પણ જરૂરિયાત ઊભી થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પણ આપવામાં આવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન બાળકને રેમડીસીવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. જેની સાથે સાથે 5 દિવસનો સ્ટીરોઈડનો કોર્સ પણ આપવામાં આવ્યો હતો. તમામ સારવાર દરમિયાન બાળક કોરોનામાંથી રિકવર થયો હતો અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી."
કોરોનાથી રિકવર થયા બાદ પહેલા અઠવાડિયામાં દેખાયા હતા લક્ષણો
ડૉ. બંસલે વધુમાં જણાવ્યું હતું કે, "કોરોનાથી રિકવર થયા બાદ બાળકને પહેલા જ અઠવાડિયામાં નવા લક્ષણો દેખાયા હતા. જેમાં બાળકને દાંતમાં અને પેઢાના ભાગમાં દુઃખાવો પણ થયો હતો. જેને ધ્યાનમાં રાખીને ડોક્ટરોને આ મ્યુકોરમાઈકોસીસના લક્ષણો હોવાની શંકા ઉપજી હતી. જો કે, હોસ્પિટલ દ્વારા મ્યુકોરમાઈકોસીસના તમામ રિપોર્ટ કરવામાં આવતા બાળકને મ્યુકોરમાઈકોસીસની અસર હોવાનું સામે આવ્યું હતું. નિદાન બાદ ડોક્ટરો દ્વારા બાળકના દાંતના ઉપરના ભાગની સર્જરી કરવામાં આવી હતી. જેમાં બાળકના દાંતની ઉપરનો ભાગ કાઢી નાખવામાં આવ્યો છે તેમજ તાળવાના ભાગે પણ સર્જરી કરવામાં આવી છે. કોરોનાના માત્ર કો-મોર્બિડ દર્દીઓને જ મ્યુકોરમાઈકોસીસ થાય એવું જરૂરી નથી. આ બાળકના કેસમાં સારવાર દરમિયાન સ્ટીરોઈડ આપવાને લીધે પણ મ્યુકોરમાઈકોસીસ થયો હોવાનું સામે આવ્યું છે."
મ્યુકોરમાઈકોસીસ રોગ અને સારવારના તોતિંગ ખર્ચથી બચવા કોરોનાથી બચવું જરૂરી
ડૉ. અભિષેકના જણાવ્યા પ્રમાણે, "મ્યુકોરમાઈકોસીસની સારવાર ખૂબ જ ખર્ચાળ છે. જેથી ખર્ચ અને રોગ બન્નેથી બચવા માટે કોરોનાથી તકેદારી રાખવી જરૂરી છે. મ્યુકોરમાઈકોસીસની સારવાર દરમિયાન આપવામાં આવતા ઈન્જેકશન અસરકારક તો છે જ, પરંતુ સૌથી પહેલા સર્જરી કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે, સર્જરી બાદ જ આ ઇન્જેક્શન આપવામાં આવે છે અને રોગમાંથી દર્દીને રિકવર કરવામાં આવે છે. બાળકોની વેક્સિન પર કેટલીક કંપનીઓ દ્વારા રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વેક્સિન કેટલી અસરકારક છે તે તેમની સ્ટડી પરથી જ ખ્યાલ આવી શકશે. કંપનીઓ દ્વારા સ્ટડી બાદ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જ્યારબાદ સરકાર દ્વારા નિર્ણય લઈને બાળકોને વેક્સિન આપવામાં આવશે."