અમદાવાદ: શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં 2 શી ટીમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસકર્મીની જ નિમણૂક કરવામાં આવી છે. એક ટીમમાં એક ઇન્ચાર્જ અને 5 અન્ય પોલીસકર્મીઓે રાખવામાં આવ્યાં છે. આ ટીમ 24 કલાક કાર્યરત રહે છે.
શી ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક કામગીરી કરવામાં આવે છે. શી ટીમ ખાસ મહિલાઓ અને સિનિયર સીટીઝન માટે નીમવામાં આવી છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમ તરફથી કે પોલીસ સ્ટેશન તરફથી મળતા મેસેજ પણ શી ટીમ દ્વારા એટેન્ડ કરવામાં આવે છે. આ પ્રકારના મોટા ભાગના મેસેજ મહિલા તથા સિનિયર સિટીઝનની ફરિયાદને લાગતા હોય છે.
મહિલાઓ માટે શી ટીમ દ્વારા સતત બાગ- બગીચા, મોલ, મલ્ટીપ્લેક્ષ, શાળા, કૉલેજ, બસ સ્ટેશન, અવાવરું જગ્યા પર સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. રસ્તે એકલી જતી મહિલા તથા સિનિયર સિટીઝનને કેટલાક કિસ્સાઓમાં તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આઉપરાંત મહિલાને કોઈ સમસ્યા હોય તો તે અંગે પણ શી ટીમ દ્વારા મદદ કરવામાં આવે છે.
શી ટીમ દ્વારા સિનિયર સિટીઝનની નોંધણી પણ કરવામાં આવે છે અને નોંધણી કર્યા બાદ સમયાંતરે તેમની મુલાકાત લેવામાં આવે છે. જેમાં તેમને કોઈ મુશ્કેલી હોય તો તેનું નિવારણ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળા-કૉલેજમાં પણ શી ટીમ દ્વારા નિયમિત મુલાકાત લેવામાં આવે છે.
શાળા-કૉલેજની મુલાકાત લઈને શી ટીમ દ્વારા યુવતીઓને સમજણ આપવામાં આવે છે. આ ઉપરાંત જાહેર બાગ-બગીચામાં પણ આ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો તેની પૂછપરછ પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત ખાનગી કપડામાં પણ બસમાં પ્રવાસ, મોલ અને બગીચાઓની મુલાકાત, શાળા તથા કૉલેજની બહાર પેટ્રોલિંગ કરવામાં આવે છે. તહેવારોમાં પણ જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ ટીમ દ્વારા લોકોને 181 અભિયમ તથા મહિલા હેલ્પલાઇન અંગે સમજણ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં શી ટીમ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી હતી. જેમાં એકલા રહેતા સિનિયર સિટીઝનની સતત મુલાકાત લેવામાં આવતી હતી અને તેમને જરૂરિયાતની વસ્તુ ઘર સુધી પહોંચાડી આપવામાં આવતી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ, રેશનિંગની કીટ સહિતની મદદ પણ કરવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ માટે શી ટીમ ખૂબ મદદરૂપ અને ફાયદાકારક રહી છે. શી ટીમના કેટલાક કામોના કારણે પોલીસના કામમાં રાહત મળી છે. મળતી માહિતી મુજબ, અગામી સમયમાં શી ટીમ માટે નવા પ્રોજેકટ પણ હાથ ધરવામાં આવશે.