અમદાવાદ સાયબર ક્રાઈમમાં જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજે ફરિયાદ નોંધાવી હતી કે, એક અજાણ્યો ઈસમ ફેસબુક પર મારા નામનું એટલે કે જીગ્નેશ કવિરાજનું ફેક ફેસબુક આઈડી બનાવ્યું છે. જેમાં ઘણી પોસ્ટ કરી છે, જેમાં પોતાની સાથે કામ કરવા ઇચ્છતી યુવતી કે હીરોઇન મેસેજ કરે તેવું જણાવ્યું હતું. આ મામલે જીગ્નેશ કવિરાજને જાણ થતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે પ્રકાશ વ્યાસ નામના 28 વર્ષીય યુવકની થરાદથી ધરપકડ કરી હતી. આ યુવકની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેને અનેક લોકો સાથે ફેસબુકમાં જીગ્નેશ કવિરાજ બનીને વાત કરી છે. કેટલા લોકો પાસે ગિફ્ટ પણ મંગાવી છે. જ્યારે લોકો ગિફ્ટ આપવા જતા ત્યારે પ્રકાશ ગિફ્ટ લેવા જતો હતો. જીગ્નેશ કવિરાજે તેને મોકલ્યો હોવાનું જણાવતો હતો. આરોપી પ્રકાશ પોતે વિવાહિત છે. આરોપી 6ઠ્ઠા ધોરણ સુધી ભણેલો છે, તેવું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.