- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત
- અમદાવાદમાં સોમવારની સવારથી કરફ્યૂ હટાવી લેવાશે
- ચાર મહાનગરોમાં રાતનો કરફ્યૂ યથાવત રહેશે
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર દ્વારા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. કરફ્યૂના બીજા દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે ખાસ વાતચીત દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે, અમદાવાદમાં સોમવારે સવારથી કરફ્યૂ હટાવી દેવામાં આવશે.
સવાલ-1 અમદાવાદમાં 2 દિવસથી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે તો આવતી કાલથી કરફ્યૂ યથાવત રહશે કે કેમ?
જવાબ: અમારી બેઠકમાં નિર્ણય થયા પ્રમાણે અગાઉ સરકારે જાહેરત કરેલી છે કે, શનિવાર અને રવિવાર રજાના દિવસો છે. એક તરફ દિવાળીના તહેવારોની પણ રજા હતી એટલે શનિવાર અને રવિવાર 2 દિવસ લોકો ભેગાં ન થાય તે માટે 2 દિવસ કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. સોમવારથી દિવસનો કરફ્યૂ હટાવવામાં આવશે અને રાબેતા મુજબ અમદાવાદમાં ફરી ચહલપહલ શરુ થશે. પરંતુ રાજ્યોના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ યથાવત રહશે. સાવચેતીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સવાલ-2 અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે તો હોસ્પિટલમાં વધારાની કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે?
જવાબ: જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. શરુઆતમાં 1200 બેડની હોસ્પિટલની સાથે સાથે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને યુ.અને.મહેતા જેવી હોસ્પિટલનો ઉપયોગ કોરોનાના દર્દીની સારવાર માટે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોનાના દર્દીમાં ઘટાડો નોંધાતા ત્રણેય હોસ્પિટલને કોરોનાની સારવાર માંથી મુક્ત કરવામાં આવી હતી. ફરી કોરોના દર્દીઓમાં વધારો જણાતા તમામ હોસ્પિટલને ફરીથી ઉપયોગમાં લઈશું. આ ઉપરાંત ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ સારવારની સુવિધા વધારવામાં આવી છે. દર્દીઓને કોઈપણ પ્રકરાની અસુવિધા ઉભી ન થાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ તેમજ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
સવાલ-3 છેલ્લા 10 દિવસથી કોરોનાના આંકડામાં વધારો જોવા મળ્યો છે. તો કોરોના સામે લડવા આરોગ્ય વિભાગે કોઈ રણનિતી બનાવી છે?
જવાબ: સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું, માસ્ક પહેરવું, લોકોએ વધુ સંખ્યામાં ભેગા ન થવું એ જ કોરોનાને હરાવવા આખા વિશ્વ માટે એક જ રણનિતી છે. રાજ્ય સરકારે કોર્પોરેશન સાથે મળી કોરોના મહામારીમાંથી બહાર નીકળી શકાય તે માટે 2 દિવસ કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો. પરંતુ સોમવારની સવારથી કરફ્યૂની અવધિ પૂરી થઈ રહી છે ત્યારે ફરી એક વખત અમદાવાદનું જનજીવન થાળે પડશે.