- AIMIMના સુપ્રિમો સાથે ખાસ વાતચીત
- AIMIM કેટલીક સીટો પર લડશે ચૂંટણી
- 15 દિવસમાં ફરી વખત આવશે ગુજરાત
અમદાવાદ: આજે સોમવારે AIMIMના સુપ્રિમો અસદુદ્દીન ઓવૈસી વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પૂરજોશમાં ઉતરશે અને તે માટે તેમણે તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. આ સિવાય તેમણે 15 દિવસમાં ફરી વખત ગુજરાત આવવાની બાહેંધરી પણ આપી હતી.
અતિક અહેમદને ન મળવા દેવાયા
અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, તેઓનું ગુજરાત આવવાના મુખ્ય કારણોમાંનું એક અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા અતિક અહેમદને મળવાનું હતું. જોકે, પોલીસે મળવા માટેની પરવાનગી ન આપતા તે શક્ય બન્યું ન હતું.
કોંગી કાઉન્સિલર માટે કહ્યું, - તેમણે જોડાવું હોય તો જોડાઈ શકે
અમદાવાદમાં સ્થાનિક કોંગી કાઉન્સિલર શહેઝાદ ખાન આજે સોમવારે સવારે AIMIMના સુપ્રિમો અસદુદ્દીન ઓવૈસીને મળ્યા હતા. બન્ને વચ્ચેની મુલાકાતને લઈને એવી અટકળો વહેતી થઈ હતી કે, કોંગી કાઉન્સિલર AIMIMમાં જોડાશે. આ અટકળોને લઈને જ્યારે અસદુદ્દીનને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેમના વચ્ચે માત્ર એક સામાન્ય મુલાકાત થઈ હતી, પરંતુ જો તે અમારી સાથે જોડાવવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા જ છે.
15 દિવસમાં ગુજરાત પાછો ફરીશ
ગુજરાતના રાજકારણમાં પ્રવેશ અંગે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં 2022માં યોજાનારી ચૂંટણીમાં કેટલીક બેઠકો પરથી ચૂંટણી લડવાના છે. આ માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને વધુ તૈયારીઓ માટે આગામી 15 દિવસમાં ગુજરાત પાછો ફરીશ.