અમદાવાદઃ કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે એમ તો વિશ્વના તમામ દેશોનો જીડીપી ગ્રોથ ઘટીને આવ્યો છે. વિશ્વના પ્રથમ નંબરના શક્તિશાળી દેશ ગણાતાં અમેરિકાનો જીડીપી ગ્રોથ પણ ઘટીને માઈનસ 32 આવ્યો છે. ત્યારે બીજા નંબરે ભારતનો જીડીપી ગ્રોથ માઈનસ 23 ટકા આવ્યો છે. એપ્રિલથી જૂનના સમયગાળામાં ભારતની આંર્થિક સ્થિતિ વધુ કથળી છે. અનલોક વનથી ફોર દરમિયાન આર્થિક ગતિવિધિ શરુ થઈ છે. તેમ છતાં ભારતનો જીડીપી ગ્રોથ માઈનસમાં જ રહેવાની ધારણા આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.
પ્રોફેસર હેમંતકુમાર શાહે ETVBharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે વધુ ખર્ચ કરવાની જરુર છે. સરકારી ખર્ચ વધશે તો લિક્વિડીટીમાં વધારો થશે અને નવી રોજગારીનું સર્જન થશે. તેમ જ તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો વાર્ષિક અહેવાલ રજૂ થયો છે જેમાં આરબીઆઈ દ્વારા ભારતના અર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આરબીઆઈએ ચેતવણી આપતાં કહ્યું છે કે, દેશમાં મોંઘવારી વધશે અને દેશનું શેરબજાર ઘટશે. આરબીઆઈએ આર્થિક મંદીમાંથી બહાર નીકળવા માટે કેન્દ્ર સરકારને પણ કેટલાક સૂચન કર્યાં છે.
કેન્દ્ર સરકારે જીએસટીના વળતર પેટેનો હિસ્સો રાજ્ય સરકારને આપવાનો હોય છે. તાજેતરમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાયેલી ભારતના રાજ્યોના નાણાંપ્રધાનો સાથેની બેઠકમાં રાજ્ય સરકારોને બે વિકલ્પો આપવામાં આવ્યાં છે. આ વિકલ્પો મુદ્દે અર્થશાસ્ત્રી હેમંતકુમારે સરકારની ટીકા કરી હતી અને કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસેથી લોન લઇને રાજ્ય સરકારોનો હિસ્સો આપી દેવો જોઇએ તેમ જણાવ્યું હતું જીએસટીના વળતરના હિસ્સામાં રાજ્ય સરકારનો અધિકાર છે. તો રાજ્ય સરકાર શા માટે લોન લે... હેમંતકુમારે વધુમાં કહ્યું હતું કે આગામી ક્વાર્ટરમાં પણ જીડીપી ગ્રોથ માઈનસમાં રહેશે.