- ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી
- રાજકીય પક્ષોમાં કરી રહ્યાં છે તૈયારી
- ગુજરાત કોંગ્રેસમાં પણ પેટા ચૂંટણીને તૈયારી શરૂ
અમદાવાદ: ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. જેમાં શિક્ષિત બેરોજગારી, ભ્રષ્ટાચાર, કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ, શિક્ષણનું વેપારીકરણ જેવા અનેક મુદ્દાઓને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. જે રણનીતિના આધારે ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે. કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે પણ સરકારને ઘેરવા પ્રયાસ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસ પોતાના જ પૂર્વ ઉમેદવાર સામે લડશે ચૂંટણી
ગુજરાત કોંગ્રેસ માટે પેટા ચૂંટણીમાં સૌથી મોટો પડકાર પક્ષમાંથી રાજીનામું આપીને ગયેલા કોંગ્રેસી ઉમેદવાર સામે જ ચૂંટણી લડવાનો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, ભાજપમાં સત્તાની લાલસાએ ગયેલા કોંગ્રેસી ઉમેદવારને ત્યાંની સ્થાનિક જનતા જ પડકાર આપશે. બીજી તરફ ધારાસભ્યોને ખરીદવાનું કામ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ગયેલા અક્ષય પટેલે થોડા સમય પહેલાં જ કબૂલાત કરી હતી કે 2019ની ચૂંટણી પહેલાં તેમને 52 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ત્યારે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા. તો હાલ કેટલા રૂપિયાની ઓફર થઈ અને તે ધારાસભ્ય ભાજપમાં જોડાયા તેવા પ્રશ્નો અને આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
સી.આર. પાટીલની કથની અને કરનીમાં ફરક છે: અમિત ચાવડા
અમિત ચાવડાએ સી.આર. પાટીલને સલાહ આપી કે, તેમણે કહ્યું કે કંઈ પણ બોલતા પહેલા દિલ્હીમાં પૂછી લેજો. કોંગ્રેસના લોકોને ટિકિટ નહીં આપવાની વાત કરનારાઓનું કંઈ ન ચાલ્યું. ચાવડાએ પાટીલ પર તેમની કથની અને કરનીમાં ભેદ હોવાના આક્ષેપ કર્યા હતા. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, સી.આર. ભાઉને ફરી એક વખત હું વિનંતી કરું છું કે, જે પણ બોલો તે દિલ્હી પૂછી લેજો. કારણ કે તમે જે પણ નિવેદન આપો છો તેનું કોઈ વજૂદ રહેતું નથી. અમિત ચાવડાએ કહ્યું કે, પક્ષ છોડનારા નેતાઓને ગદ્દારી અને વિશ્વાસઘાત કરનારા નેતાઓને જનતા પેટા ચૂંટણીમાં જવાબ આપશે.
કોંગ્રેસે 8 બેઠકો પર વિજય મળશે તેવો દાવો વ્યક્ત કર્યો
ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૮ બેઠકો પર જીત નિશ્ચિત છે તેવું કહેવામાં આવ્યું હતું. તેને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, સી.આર. પાટીલ પહેલાં ૧૮૨ બેઠકો પર જીતવાની વાત કરતા હતા. ત્યારબાદ ૧૭૪ બેઠકો પર આવ્યા એટલે કે દર મહિને ભાજપની બેઠકો ઓછી થતી જવાની છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે તેવું અત્યારથી જ માની બેઠી છે. એનો મતલબ એ થયો કે કોંગ્રેસનો ભવ્ય વિજય થવાનો છે. તે ચિત્ર સી.આર. પાટીલે અત્યારથી જ સ્પષ્ટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી થશે. ત્યારે ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.