- ગુજરાતમાં આગજનીની ઘટનાઓમાં જાનહાનીનો વધારો
- વિકસિત દેશોની સરખામણીએ ગુજરાત અને ભારતમાં ફાયર સેફ્ટીના નીચા ધોરણો
- ફાયર સેફ્ટીના સાધનો અયોગ્ય કાર્યદક્ષતા યુક્ત અને શોભાના ગાંઠિયા સમાન
અમદાવાદ: ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય છે. અહીંયા નાના ઉદ્યોગોથી લઈને ભારે ઉદ્યોગો આવેલાં છે. આ સાથે જ ગુજરાત કેમિકલ ઉદ્યોગોનું પણ હબ છે, ત્યારે અકસ્માતો સર્જાય તે વાત સામાન્ય છે, પરંતુ આ અકસ્માતમાં જાનહાની થાય તે ખૂબ જ ચિંતાનો વિષય છે. જો ગત એક વર્ષ ઉપર નજર રાખવામાં આવે તો ગુજરાતના ઔદ્યોગિક વિસ્તાર ઉપરાંત મોટા શહેરોમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. જેમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ હોય, અમદાવાદના ચીરીપાલ ગ્રુપના કાપડની ફેક્ટરીમાં આગની ઘટના હોય, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના આગ લાગવાથી મૃત્યુ પામવાની ઘટના હોય કે પછી અમદાવાદ શહેરના પીરાણા રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી મજૂરોના મોતની ઘટના હોય આંકડાઓ સતત ડબલ ડિજીટમાં મળી રહ્યા છે.
સરકાર અને નાગરિકો ફાયર સેફ્ટીને લઈને ઉદાસ
આ ઘટનાઓમાં આપણી આગ પ્રત્યેની ઉદાસીનતા અને સખત નિયમોના અભાવના કારણે જાનહાની વધુ જોવા મળી રહી છે. માનવ સર્જિત આ દુર્ઘટનાઓ ક્યાંક તેના લોભનું પણ પરિણામ છે. અમદાવાદમાં રહેતા ફાયર એક્સપર્ટ ડૉક્ટર એચ.એસ પુરોહિત એક એન્જીનીયર છે. તેમણે મલેશિયાથી ફાયર એક્સપર્ટ તરીકે ડૉક્ટરેટની પદવી હાંસલ કરી છે. આ ઉપરાંત 40થી વધુ દેશોમાં ફરીને ત્યાંના ફાયર સેફ્ટીના નિતી-નિયમોનો અભ્યાસ કર્યો છે. પોતાના 40 વર્ષના કેરિયર દરમિયાન તેમણે અવનવા સંશોધનો કરીને ફાયર સેફ્ટીના ધારા-ધોરણોને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
આગને ઓલવવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જરૂરી
વિજ્ઞાનની દ્રષ્ટિએ આગ લાગવામાં મૂળભૂત ત્રણ તત્વો છે. જેમાં ઇંધણ, ઓક્સિજન અને તાપમાન મુખ્ય છે. જો ત્રણેયને મળતા રોકાય તો આગને ટાળી શકાય. ડૉ.એચ.એસ.પુરોહિતે આગને રોકવાના સંશોધનોના સાધનો માટે પેટન્ટ પણ મેળવી છે. તેમનું એક જ સૂત્ર છે કે, આગને ઊગતા જ ડામી દેવી જોઈએ. કારણ કે, એકવાર તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારબાદ તે મોટા પાયે જાન-માલની હાનિ સર્જે છે. એટલે કે 'પ્રીવેંશન ઇઝ બેટર ધેન ક્યોર' એ તેમનું સૂત્ર છે. તેમણે પોતાના સંશોધનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
40 વર્ષની સાધના અને અનેક દેશોના અભ્યાસના અંતે ડૉ.એચ.એસ.પુરોહિતે ફાયર સેફટીના આધુનિક સાધનો વિકસાવ્યા
તેમનું એક જ સ્વપ્ન છે કે, આગ લાગવાથી સહેજ પણ જાનહાની થાય નહીં અને તેનાથી પણ આગળ વધીને એવા સાધનો વિકસાવવામાં આવે કે જેથી આગ લાગે જ નહીં. તેમણે હજારો સેમિનાર કર્યા છે અને લોકોને ફાયર સેફ્ટી વિશે માહિતી પૂરી પાડી છે. ગુજરાત સહિત ભારતમાં જ્યાં કરોડોની વસ્તી છે, ત્યાં જિંદગીનું મૂલ્ય જ ન હોય તેમ આ મુદ્દે ઉદાસીનતા જોવા મળે છે. ખામી યુક્ત ડિઝાઇનના સાધનો અને મકાનો આગની ઘટનામાં જાનહાનીનું મુખ્ય કારણ છે. ઉદ્યોગકારો પણ ફાયર સેફ્ટી પાછળ જરૂરી નાણાંનો વપરાશ કરતા નથી અને ફક્ત શોભાના ગાંઠિયા સમાન ફાયર સેફ્ટીના સાધનો વસાવીને કામદારોના જીવ જોખમમાં નાખે છે. અહીં ભ્રષ્ટાચારને પણ નઝર અંદાઝ કરી શકાય નહીં.
ભારતમાં જિંદગીનું મૂલ્ય વધુ સસ્તું
માનવીય જીવનનું મૂલ્ય સમજાવતી તપશ્ચર્યા કરનાર ડૉક્ટર એચ.એસ પુરોહિતની વાત નાગરિકો અને સરકારના કાને પહોંચે તેઓ ઇટીવી ભારતનો એક નમ્ર પ્રયાસ છે.