- અમદાવાદ સાઈબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી
- આ આરોપી પાસેથી POS મશીન જપ્ત કર્યું
- ફરિયાદના આધારે કરવામાં આવી ધરપકડ
અમદાવાદઃ સાયબર ક્રાઈમે ક્લોન ATM અને ક્રેડિટ કાર્ડ બનાવી લાખોની ઠગાઈ કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ખ્યાતનામ હોટલમાં કામ કરતા હતા અને તેમની પાસેથી POS મશીન પણ જપ્ત કર્યું છે.
CCTV આધારે રેકેટનો પર્દાફાશ થયો
સાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં દિગ્વિજય સિંહ નામનો આરોપી હોટલમાં મેનેજર છે. એલિસબ્રિજમાં આવેલી હોટલ ફોર પોઇન્ટ સેરાટોનના મેનેજર વિરુદ્ધ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેથી CCTV તપાસતા દિગ્વિજય સિંહ નકલી POS મશીન રાખીને ગ્રાહકના કાર્ડને સ્વાઈપ કરતો જોવા મળ્યો હતો. જે બાદ તેની ધરપકડ થતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે.
આરોપી ક્લોન મશીનમાંથી ડેટા મેળવી ક્લોન કાર્ડ બનાવતો હતો
આરોપી દિગ્વિજયે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે રહેતા યુવરાજ પાસેથી તે ક્લોન મશીન લાવ્યો હતો અને ક્લોન મશીનમાં સ્વાઈપ કર્યા બાદ યુવરાજને આપી દેતો હતો. જેથી યુવરાજની પણ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ક્લોન મશીનમાંથી ડેટા મેળવી ક્લોન કાર્ડ બનાવી તે સુરતના અતુલ ઘેલાણીને આપતો હતો. ત્યારબાદ અતુલ વિવિધ ATM મશીનમાંથી પૈસા ઉપાડી યુવરાજને પહોંચાડતો હતો. જેથી પોલીસે તેની પણ અટકાયત કરી છે.
આરોપીએ અનેક લોકોને બનાવ્યા શિકાર
આરોપીઓએ આ રીતે અનેક લોકોને શિકાર બનાવ્યા છે. આ આરોપીઓ અમદાવાદ, બેલગાવ, આગ્રા અને ગોવામાં પણ છેતરપિંડી કરી ચૂક્યા છે. જેથી હજૂ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.