- આવતા મહિને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી
- અત્યારે ભરાઈ રહ્યા છે ઉમેદવારી પત્ર
- વર્તમાન હોદ્દેદારોની વિદાય
અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણી (Election of GCCI) આવતા મહિને યોજાવા જઇ રહી છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કોર્પોરેટ કેટેગરી વગેરે જેવા હોદ્દાઓ માટે ચેમ્બર ઓફિસમાંથી ઉમેદવારીપત્રો વહેંચાઈ રહ્યા છે. 19 ઓગસ્ટ સુધીમાં કુલ 55 ફોર્મ અપાયા છે. જેમાંથી 18 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. ચૂંટણી 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને તે જ દિવસે કે ચૂંટણીના બીજા દિવસે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.
વર્તમાન પ્રમુખ નટુ પટેલે એક વર્ષની કામગીરીના લેખા-જોખા આપ્યા
વર્તમાન પ્રમુખ નટુ પટેલે જણાવ્યું હતું કે, એક વર્ષ દરમિયાન વ્યાપાર ઉદ્યોગને લગતા પ્રશ્નો તેમને સતત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ જે-તે સરકારી વિભાગ સમક્ષ રજૂ કર્યા છે. સરકાર તરફથી પણ યોગ્ય સહયોગ મળ્યો છે. પ્રશ્નો પર ફોલોઅપ પણ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ સાથે પણ ચેમ્બર ઓફ કોમર્સે વ્યાપાર પ્રશ્નો અને વ્યાપારીઓના હિતોને વાત કરી છે. ટ્રેડને લઈને અનેક પરિસંવાદ અને સેમિનાર યોજવામા આવ્યા છે. ડાયરેક્ટ ટેક્સ અંગેનો 'વિવાદ સે વિશ્વાસ સ્કીમ' પણ સફળ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત ચેમ્બરની ચૂંટણીની તારીખ જાહેર, ચૂંટણીનું સમયપત્રક જાણો...
ગુજરાત સરકારની નીતિથી બીજી લહેરમાં કોરોનાની ઉદ્યોગો પર ઓછી અસર
ગુજરાત સરકારે કોરોનાની બીજી લહેર દરમિયાન ફક્ત રાત્રી કરફ્યૂ રાખેલો હોવાથી ઉદ્યોગ-ધંધાને કોઈ નુકસાન થયું નથી પરંતુ આ સમયે બચતની માનસિકતાએ ઉદ્યોગોનો વિકાસ ધીમો પડ્યો હતો. તેમાં પણ ખાસ કરીને ટેક્સટાઇલ અને ટુરીઝમ તેમજ હોટલ ઉધોગને ફટકો પડ્યો હતો. આ ક્ષેત્રોમાં પણ હવે રિકવરી જોવા મળી રહી છે. GST કલેક્શન વધ્યું છે.
આ પણ વાંચો: ખેતી બેન્કની ચૂંટણીમાં કાકા-ભત્રીજો આમને સામને
કોરોનામાં ચેમ્બરની કામગીરી
કોરોના કાળમાં પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરાઈ છે. જેમાં માસ્કનું વિતરણ, ઓક્સિજન બેન્કની સ્થાપનાનો સમાવેશ થાય છે. સાથે જ વેપારીઓ માટે વેક્સિનેશનના નિયમના ટાર્ગેટ પૂર્ણ કરવા પ્રયત્ન કરાયો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સતત પોતાની સામાજિક જવાબદારી નિભાવતું રહ્યું છે.
અફઘાનિસ્તાન સાથે ભારતનો 37.5 હજાર કરોડનો વેપાર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષે 37.5 હજાર કરોડનો વેપાર થાય છે. જેમાં ગુજરાત અગ્રેસર છે. આ વેપારમાં બાસમતી ચોખા, સુકામેવા, ટેક્સટાઇલ, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. ચેમ્બરે બે દિવસ પહેલા જ કંદહારના વ્યાપારીઓ સાથે ટ્રેડ મુદ્દે ઓનલાઈન વાત કરી હતી.