અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાના કારણે લોકોની હાલત કફોડી બની છે, તેવામાં ભૂકંપના આંચકા આવતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ઘણા વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાંથી બહાર મેદાનમાં દોડી આવ્યા હતા. શહેરની બિલ્ડિંગોમાં કંપન થતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘરથી બહાર નીકળી ગયા હતા. અમદાવાદની ધરા ધ્રુજતાં લોકોને 2001માં આવેલા ભૂકંપની યાદ તાજા થઈ હતી.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી લોકો પોતાના ફ્લેટમાંથી બહાર નીકળી ગયાં હતા. અમદાવાદની સાથે જામનગર, મોરબી, રાજકોટ, કચ્છ વગેરે સ્થળે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 5.5ની નોંધાઈ હતી.
ભૂકંપના આંચકા આવતાની સાથે જ રાજ્ય સરકાર સતર્ક થઇ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપના આંચકાને કારણે રાજકોટ, કચ્છ અને પાટણ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને ફોન દ્વારા આ જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ મુખ્યપ્રધાને આ જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલ રૂમમાં પણ વધુ સઘન રીતે કાર્યરત કરવા સૂચન કર્યું હતું.