ગાંધીનગર: ગુજરાતના ગત વર્ષના નાણાકીય બજેટની જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકારે લેખાનુદાન બજેટ એપ્રિલથી જુલાઈ માસનું રજૂ કર્યું હતું અને ત્યારબાદ જુલાઇ માસમાં યોજાયેલા વિશેષ વિધાનસભા સત્રમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે વિધાનસભામાં સમગ્ર વર્ષ દરમિયાનનું બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સત્ર પહેલા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા ખાસ બેઠકનું આયોજન કરીને એકબીજા પર પ્રહાર કરવાની રણનીતિઓ તૈયાર કરી લેવામાં આવી છે, ત્યારે વિધાનસભાના બજેટ સત્ર વિશેષ રીતે પણ મહત્વનું રહેશે.
અગાઉ કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભાનું સત્ર 24 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાનું હતું, પરંતુ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે બજેટ 26 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બજેટસત્રના શરૂઆતમાં જ વિધાનસભાગૃહમાં નમસ્તે કાર્યક્રમના બાબતે પણ વિરોધ પક્ષ સરકાર પર અનેક આક્ષેપો કરશે જ્યારે સરકાર પણ આક્ષેપો પરના પ્રતિઆક્ષેપો કરશે.