અમદાવાદના પૂર્વ વિસ્તારના હાથીજણમાં આવેલ DPS પૂર્વ શાળામાં નિત્યાનંદ આશ્રમ બાબતે CBSE દ્વારા અમદાવાદ DPS પૂર્વની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે બુધવારે દિલ્હીથી CBSEના અધિકારીઓએ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી હતી. જ્યારે વાલીઓએ પણ શિક્ષણ પ્રધાન સાથે બેઠક કરી હતી. જેથી બુધવારે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લેતાં જણાવ્યું હતું કે, હવે 1 વર્ષ સુધી DPSનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12ના જે વિદ્યાર્થીઓ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળામાં અભ્યાસ કરવા દેવામાં આવશે.
રાજ્ય સરકારે DPS મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાસનની જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીથી પણ આજે CBSE મુદે કેન્દ્રની ટીમ આવી હતી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાહિત્ય રાજ્યના શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવ સાથે બેઠક કરી હતી. સાથે જ DPS શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ પણ રાજ્ય સરકારને મળવા આવ્યા હતા અને તેઓએ પણ માગણી કરી હતી કે શાળા બંધ ના કરવામાં આવે.