અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં 48માંથી દસ જેટલા વોર્ડને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની ખાનગી તથા સરકારી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં બદલવામાં આવી છે. આ સાથે જ ફાઈવ સ્ટાર હોટલને પણ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી રહી છે. તેમ છતાંય કેસોમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. શહેરના મધ્ય અને દક્ષિણ ઝોનમાં અગ્રેસર ટેસ્ટીંગ દ્વારા કેસોને સામેથી શોધી કાઢવામાં તંત્ર સફળ રહ્યું છે, પરંતુ પ્રતિદિન આ કેસમાં વધારો થતો હોવાથી લક્ષણો વગરના લોકોને હવે ટેસ્ટ કરવામાં નહીં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના નિયંત્રણ માટે ટેસ્ટિંગ, ડીસઇન્ફેક્ટન્ટ છાંટવું અને ક્વોરેનટાઈન જેવી અનેક પદ્ધતિઓ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ચૂસ્ત લોકડાઉનના સમય સુધી પોલીસે બળપ્રયોગ કરીને પણ લોકોને ઘરે રાખવા આગ્રહ રાખ્યો છે. આમ છતાં તંત્રની ક્યાં ભૂલ થઇ રહી છે એ માટે રાજ્ય સરકારે તજવીજ હાથ ધરી છે.
રોજ તંત્ર દ્વારા આંકડાકીય માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ આ કેસમાં કેમ આટલો વધારો થઈ રહ્યો છે તેના વિશેની માહિતી તંત્ર દ્વારા મળતી નથી. અત્યારે માત્ર એટલું જ જણાવવામાં આવી રહ્યું છે કે, બીજા શહેરો અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવેલા લોકોના લીધે આ વાઇરસ પ્રસર્યો છે, પરંતુ આ અંગે વધારે કોઈ જ માહિતી તંત્ર આપી રહ્યું નથી તેવામાં ક્યાંકને ક્યાંક કમિશ્નર વિજય નેહરા પાછળ પડતા જણાઈ રહ્યા છે અને તેના લીધે જ કોરોના સંકટમાં ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જોઈને ગુજરાત સરકાર ઍક્શન મોડમાં આવી છે.
અમદાવાદની કૉવિડ-19ને લગતી તમામ કામગીરીના નિરીક્ષણની જવાબદારી ડૉ.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે. ગુજરાતમાં કુલ 6,254ના આંકડામાં માત્ર અમદાવાદમાં 70 ટકા કેસ એટલે કે, 4425 કેસ નોંધાયા છે. આવામાં રૂપાણી સરકાર હેલ્થ વિભાગ અને AMC પર ભડકી છે. પરિણામે બુધવારે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં સ્થિતિને કાબૂમાં લેવા સિનિયર અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.
રાજ્યમાં કોરોનાના વધતાં જતા કેસથી રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. એક બાજુ પરપ્રાંતિયોનો વતન જવાનો મામલો તો બીજી બાજુ કોરોનાના કેસ કાબૂમાં નથી આવતા. આવામાં બન્ને બાજુ ગુજરાત રાજ્ય દિલ્હીમાં કેન્દ્રની નજરે ચઢી ગયું છે. જેના પગલે રૂપાણી સરકાર હવે ઍક્શનમાં આવી છે. બુધવારે મહત્વનો નિર્ણય લેતા રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા 3 સિનિયર અધિકારીઓને વધારાની જવાબદારી આપી તેમની નિમણૂક કરી છે.
અમદાવાદ મનપા વિજય નેહરા આજે સેલ્ફ ક્વૉરન્ટાઈન થઈને 14 દિવસ રજા પર ઉતર્યા છે. આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. જો કે, અંદરના સૂત્રો અનુસાર AMC કમિશ્નરને કોરોનાની કામગીરીથી નાખુશ થઈને સરકારે હાલ પૂરતા હટાવી રજા પર ઉતારી દીધા છે.
જો કે, વિજય નેહરાએ આ બાબતે પોતે સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે તેવું જણાવ્યું હતું, પરંતુ સૂત્રો પ્રમાણે રૂપાણી સરકાર અમદાવાદના આંકડા જોઈને ભડકી છે અને અન્ય સીનિયર અધિકારીઓને સ્થિતિ કાબૂમાં લેવા મૂકાયા છે.
મહત્વનું છે કે, આ અગાઉ પણ વિજય નેહરાનું નિવેદન નેશનલ લેવલે ગાજ્યું હતું. જેમાં તેમણે અમદાવાદમાં 31મે સુધી 8 લાખ કોરોનાના કેસ થવાની શક્યતા દર્શાવી હતી. જેનાથી લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. કહેવાય છે કે, આ નિવેદનથી અને તેમની કામગીરીમાં પણ કોઈ સુધારો ન દેખાતા રૂપાણી સરકાર નારાજ થઈ હતી. હવે જ્યારે મુકેશ કુમાર તેમજ કેટલાક સિનિયર અધિકારીઓના હાથમાં કમાન સોંપવામાં આવી છે, ત્યારે જોવાનું રહ્યુ કે કેવા પ્રકારની તેમની રણનીતી રહેશે.