અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં (Dhandhuka murder case) કિશન ભરવાડની હત્યા મામલે આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા, જોકે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી
આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કર્યા છે, બીજી તરફ આ સંપૂર્ણ મામલાની તપાસ હવે ATSને સોંપવામાં (Case handed over to ATS) આવી છે.
ગૃહપ્રધાનના આદેશ બાદ તપાસ ATSને સોંપાઈ
ધંધુકામાં ધાર્મિક ટિપ્પણી પર ફાયરિંગ કરી થયેલી કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહપ્રધાનના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને (Anti Terrorism Squad ) સોંપવામાં આવી છે, એવામાં ATS હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ કરશે. હાલ સુધીમાં તપાસમાં મૌલવી સહિત 3 લોકો પકડાયા છે, આ અંગે ATSના DYSP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના (Remand of accused) આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે, ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.
આ કેસમાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું
પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનો સાથે મૌલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે. 2 કટ્ટરવાદી સંગઠન આ હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતાં હવે ગુજરાત ATSને તપાસ સોંપવામાં આવી છે. તહેરીક-એ-નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે, આ સંગઠન પહેલાં તહેરીક-એ-ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું, તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીક-એ-લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધૂકાની મસ્જિદમાં પણ સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે.
સર મુબારક બુખારી દાદાની મસ્જિદમાં સર્ચ-ઓપરેશન
ધંધૂકામાં આવેલી સર મુબારક બુખારી દાદાની મસ્જિદમાં ગુજરાત ATS અને અમદાવાદ ગ્રામ્ય પોલીસનું સંયુકત સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. ગુપ્ત રાહે આ સમગ્ર ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ધંધૂકા તળાવ વિસ્તારની આસપાસ આવેલી મસ્જિદ અને પીર ભડિયાદની દરગાહમાં પણ ગુજરાત ATSની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાન કનેક્શન શોધવા 7 ટીમ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવી
જેહાદી ષડયંત્રની શંકાના આધારે સમગ્ર તપાસ ATS દ્વારા કરવામાં આવશે અને આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેક્શન શોધવા માટે કુલ 7 ટીમ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવી છે. પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીનાં ભાષણો સંભળાવવામાં આવ્યાં હતાં, તેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું, તેને રાજકોટના થોરડામાં રહેતી એક વ્યક્તિએ હથિયાર પહોંચાડ્યાં હતાં, આ જ હથિયારથી આરોપી શબ્બીરે કિશનની હત્યા કરી હતી.