- કેમ્પ હનુમાન ખુલશે ફરીથી ભક્તો માટે
- આર્મી દ્વારા આપવામાં આવી પરવાનગી
- નિયમોના પાલન સાથે કરી શકાશે દર્શન
અમદાવાદ: કોરોના વાઈરસ મહામારીના કારણે તમામ ધાર્મિક સ્થાન બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે અનલોક શરૂ થતા ધીરે-ધીરે ધીરે તમામ ધાર્મિક સ્થાન ફરી એક વાર લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પરંતુ કેમ્પ હનુમાનમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેનું પાછળનું કારણ એ હતું કે કેમ્પ હનુમાન મંદિર આર્મી કેન્ટોન્મેન્ટની અંદર આવેલું હતું, જેથી અંદર કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી ભીતિ રહેલી હતી. મંદિર પ્રશાસન તરફથી મંદિર ખોલવાની પૂરી તૈયારી હતી, પરંતુ આર્મી દ્વારા તે માટે પરવાનગી આપવામાં આવી નહોતી.
બેઠકમાં ચર્ચા બાદ મંદિર ખોલવાનો નિર્ણય
વિવિધ વિવાદો વચ્ચે મંગળવારના રોજ કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે શરૂ કરવાના મુદ્દાને લઈને એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આર્મીના અધિકારીઓ, કેન્ટોન્મેન્ટ બોર્ડના સીઈઓ, મંદિરના સેક્રેટરી, સ્થાનિક પોલીસના અધિકારીઓ સહિત હાજર રહ્યા હતા. બેઠકમાં ચર્ચા બાદ અંતે કેમ્પ હનુમાન મંદિર કેટલાક નિયમો સાથે 23 નવેમ્બરથી ભક્તો માટે શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ક્યા નિયમોનું કરવું પડશે પાલન?
બેઠકમાં ચર્ચા બાદ કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જેમાં ભક્તોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. સરકાર તરફથી આપવામાં આવેલી SOPનું પાલન કરવું પડશે તથા આર્મી તરફથી પણ જે ગાઈડલાઈન આપવામાં આવી છે, તેનું પણ પાલન કરવાનું રહેશે. દર્શનાર્થીઓને આઈ કાર્ડ સાથે રાખવું ફરજીયાત રહેશે અને સાથે પાકીટ તથા મોબાઈલ ફોન જ લઈ જવા દેવામાં આવશે. તે સિવાય અન્ય કોઈ પણ વસ્તુ સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. 200 ભક્તોને ટોકન પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે, ત્યારબાદ જે ટોકન બહાર આવશે તે જ આધારે અન્ય ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. હાલ કેટલાય સમયથી ચાલી રહેલી અટકળોનો અંત સુખદ અંત આવ્યો છે અને સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનનું મંદિર ભક્તો માટે ફરી એકવાર શરૂ થશે