અમદાવાદઃ શહેરના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ભક્તોને ઘરેબેઠા ઓનલાઇન દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સાદગીપૂર્વક થશે. ઇસ્કોન તેમજ જગન્નાથજી મંદિરમાં જન્માષ્ટમી સાદાઈથી ઉજવાશે. કલ્યાણપુષ્ટિ હવેલીમાં સાદાઈથી જન્માષ્ટમી ઉજવાશે. શહેરનું ઇસ્કોન મંદિર 11 અને 12 તારીખે બંધ રહેશે.
આ વખતે સરકારે તમામ તહેવાર ઉજવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના કાર્યક્રમો અંગે માહિતી આપતા મંદિરના પ્રવક્તાએ જણાવ્યું કે, જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 વાગે મંગળા આરતી થશે. ત્યારબાદ 7.30 વાગે ભગવાનના નવા વસ્ત્રોના શ્રૃંગાર દર્શન બાદ ઈસ્કોન મંદિરના પ્રમુખ જશોમતીનંદન દાસજી દ્વારા શ્રીકૃષ્ણ કથા અને ત્યારબાદ સવારે 9થી રાત્રે 1 વાગ્યા સુધી અખંડ હરેકૃષ્ણ મહામંત્રની ધૂન યોજાશે. રાત્રે 11.30 કલાકે મહાભિષેક, 12.30 વાગ્યે મહાઆરતી યોજાશે.