અમદાવાદઃ કોરોના સામેની લડતમાં સ્વરક્ષણ શ્રેષ્ઠ હથિયાર છે. ખાસ કરીને જે તબીબો કોરોનાગ્રસ્તની સારવારમાં ખડેપગે રાતદિવસ સેવાસુશ્રષા કરી રહ્યાં છે. તેમની માટે સ્વરક્ષણ ખૂબ જ જરૂરી છે. કોરોનાગ્રસ્તની સારવાર કરતાં પોતે જ કોરોનાથી સંક્રમિત ન થઈ જવાય તે અતિઆવશ્યક છે. પી.પી.ઈ. કીટ પહેરવામાં આવે તેને ડોનિંગ કહે છે અને જ્યારે પી.પી.ઈ. કીટ કાઢવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને ડોફિંગ કહેવામાં આવે છે.
ડોનિંગ વખતે પગના ભાગથી પી.પી.ઈ. કીટ પહેરવાનું શરૂ કરવામાં આવે છે.સૌપ્રથમ સુઝ કવર પહેરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર શરીરને ઢાંકતુ સુટ પહેરાય છે.ત્યાર બાદ માથાના ભાગને કવર કરવામાં આવે છે. હાથમાં ગ્લવઝ પહેરાય છે. આ તમામ વસ્તુ પહેર્યા બાદ સમગ્ર શરીર ઢંકાઈ જાય તે રીતે પી.પી.ઇ કીટ બંધ કરવામાં આવે છે અને છેલ્લે માસ્ક અને ચશ્માં પહેરવામાં આવે છે. આ ડોનિંગ પ્રક્રિયામાં સારી રીતે બધી વસ્તુ પહેરાવવા માટે અને તેની ખરાઈ કરવા માટે મિત્રની ભૂમિકા અહમ છે.
ડોફિંગ પ્રક્રિયાએ ડોનિંગ પ્રક્રિયાથી રીવર્સ ઓર્ડરમાં તબક્કાવાર અનુસરવામાં આવે છે એટલે કે સરળભાષામાં કહીએ તો ડોનિંગ પ્રક્રિયામાં જે પહેલું પહેર્યુ હોય તે ડોફિંગની પ્રક્રિયામાં છેલ્લે કાઢવાંમા આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં મિત્રના માર્ગદર્શનથી સમગ્ર પ્રક્રિયા સરળ બની રહે છે. સચોટ માર્ગદર્શનના કારણે અનુકરણ કરવામાં મુશ્કેલી રહેતી નથી. ડોનિંગ અને ડોફિંગની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ સ્ટેપ છૂટી જાય, ક્યાંક બેદરકારી, ગફલત થઈ જાય ત્યારે સંક્રમિત થવાની સંભાવના મહત્તમ રહેતી હોય છે,આવા સમયે મિત્રની ભૂમિકા મહત્વની બની રહે છે.