- RTE હેઠળ ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ લેનાર વાલી સાવધાન
- આનંદનિકેતન સ્કૂલનો કિસ્સો સામે આવ્યા બાદ DEO એક્શનમાં
- DEO દ્વારા હાથ ધરાયું હિયરિંગ, વાલીઓનો માગવામાં આવ્યો ખુલાસો
કોરોનાને લઈ RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થયા બાદ હવે પ્રવેશ પ્રક્રિયાને લઈ નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ ખુદ શિક્ષણ અધિકારીઓ માટે પણ પડકારરૂપ છે. ખોટા દસ્તાવેજના આધારે પ્રવેશ મેળવવાની ઘટના હાલમાં આનંદનિકેતન સ્કૂલમાં સામે આવી હતી એ વાલી સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી. જો કે આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને આવા ખોટા દસ્તાવેજોના આધારે શાળામાં પ્રવેશ લેનાર વાલીઓ સામે કાર્યવાહી DEO માટે પણ પડકારજનક છે. જોકે આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ લેનાર વાલીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અમદાવાદમાં 30,500 ફોર્મ RTE અંતર્ગત ભરાયાં હતાં
RTE અંતર્ગત અમદાવાદ શહેરમાં 1385 શાળાઓ અંતર્ગત 12,500 બેઠક માટે 30,500 ફોર્મ ભરાયા હતાં. જે અંતર્ગત 26,000 વિદ્યાર્થીઓના ફોર્મ કન્ફોર્મ કરાયાં હતાં. પ્રથમ રાઉન્ડમાં 11,150 એડમિશન ફાળવાયા છે. જોકે હાલમાં થયેલી એડમિશન પ્રક્રિયામાં જ ખોટા દસ્તાવેજોના આધારે એડમિશન લેવાયાનું સામે આવ્યું છે. જેમાં આનંદનિકેતન સ્કૂલમાં વાલીએ ખોટો આવકનો દાખલો રજૂ કરીને એડમિશન લીધું હતું. RTE માં એડમિશન માટે આવક મર્યાદા 1,50,000 હતી. જ્યારે વાલીએ 4.11 લાખનુ આઇટી રિટર્ન ફાઈલ કર્યુ હતું જે ધ્યાને આવતાં વાલી સામે ફરિયાદ નોંધવાઈ છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસ હરકતમાં આવી છે. જે વાલી પર શંકા છે તેવા વાલીઓને DEO કચેરી બોલાવી ખુલાસો મંગવામાં આવી રહ્યાં છે અને એડમિશન પરત ખેંચી લેવા તાકીદ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ RTEના ફોર્મ ભરતા સમયે ટેક્નિકલ ખામી સર્જાતા અનેક વાલીઓ હેરાન
આ પણ વાંચોઃ RTE Admission: વડોદરામાં RTEની 3,800 માટે 7,936 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા