અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાના પગલે શાળાઓ બંધ છે અને મોટા ભાગની શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે. દેશમાં કોઈ એક તબક્કે શાળાઓ ફરી શરૂ કરવાની હોય તે અંગે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 15 ઓગસ્ટ સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી. જેના પગલે ગુજરાતમાં પણ 15 ઓગસ્ટ સુધી બંધ રાખવાનું નક્કી કરાયું હતું.
તે દરમિયાન રાજ્યના શિક્ષણપ્રધાન એ તાજેતરમાં શિક્ષણશાસ્ત્રીઓ સાથે વેબિનાર યોજી શાળાઓ ક્યારે શરૂ કરવી તે અંગે ચર્ચા કરી હતી. જેમાં રાજ્યના શિક્ષણશાસ્ત્રીઓએ શાળાઓ શરૂ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. આ અભિપ્રાયના પગલે શિક્ષણપધાને પણ શાળાઓ શરૂ કરવામાં ઉતાવળ કરવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. જેના લીધે રાજ્યમાં દિવાળી વેકેશન સુધી શાળાઓ બંધ રહે તેવી શક્યતાઓ ઊભી થઈ છે.
બીજી બાજુ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા હવે વાલીઓ પાસે શાળાઓ ક્યારે શરૂ કરવી તે અંગેના અભિપ્રાયો મગાવ્યા છે. જેમાં વાલીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શાળાઓ શરૂ કરવી જોઈએ તે અંગેની માહિતી પૂછવામાં આવી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય પણ વાલીઓનો મત જાણ્યા બાદ જ શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેશે. આ ઉપરાંત શાળાઓ શરૂ કરવા માટે વાલીઓ પાસે અન્ય એક મંતવ્યમાં પૂછવામાં આવ્યું છે કે જો શાળાઓ શરૂ કરવામાં આવે તો વાલીઓની શાળાઓ પાસે શું અપેક્ષા હશે તે પણ જણાવવા કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત શાળાઓ શરૂ કરવાને લઈને વાલીઓએ અન્ય કોઈ મંતવ્ય પણ આપવા હોય તો તે આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં શાળાઓ વહેલી શરૂ કરવાને લઈ વાલીઓ સંમત નથી અને શિક્ષણ વિભાગ પણ શાળાઓ વહેલી શરૂ કરવાના પક્ષમાં નથી. રાજ્યના વાલીઓ જ્યાં સુધી કોરોનાનો કહેર ઓછો ન થાય ત્યાં સુધી શાળાઓ શરૂ કરવાની તરફેણમાં નથી. આ ઉપરાંત વાલીમંડળ દ્વારા તો ચાલુ વર્ષે પણ માસ પ્રમોશનની માગણી કરવામાં આવી છે.