- બંને યુવકોનો મુખ્ય ઉદ્દેશ "યુવા બચાવો, દેશ બચાવો"
- સ્વામી વિવેકાનંદના આદર્શ વિચારોને યુવાવર્ગ સુધી પહોંચાડવા જનજાગૃતિ અભિયાન
- 18માં દિવસે ધંધુકા ખાતે પહોંચ્યા
અમદાવાદ: ધંધૂકા ખાતે પહોંચેલા બે દોડવીરો રૂપેશ મકવાણા અને લોકેશ શર્મા તથા તેમના સહાયક પાર્થ પટેલના સન્માન અર્થે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ધંધુકા ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના મંત્રી નિલેશ બગડીયા, હર્ષદ ચાવડા- નગરપાલિકા પ્રમુખ, મનુ રાઠોડ- ઝાલાવાડી સમાજના પ્રમુખ અને નગરજનોની ઉપસ્થિતિમાં બંને દોડવીરોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ સાલ અને ભગવતગીતા આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.
14 ફેબ્રુઆરીએ અમદાવાદથી દોડનો પ્રારંભ કરી 1000 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે
બંને દોડવીરો દ્વારા પ્રથમ છત્રાલ રોકાણ બાદ ક્રમશઃ ધી નોડ, પાટણ, શંખેશ્વર, પાટડી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જેતપુર, જૂનાગઢ, સાસણગીર, વિસાવદર, બગસરા, અમરેલી ,ઢસા, બોટાદ, થઈને ધંધુકા ખાતે આવ્યા હતા, ત્યારબાદ બગોદરા, ધોળકા થઈને પરત અમદાવાદ જતા 1000 કિ.મીનું અંતર પૂર્ણ કરશે.
ભારતનું પરિભ્રમણ 15 હજાર કિલોમીટરના અંતર સાથે 2022માં દોડ પૂર્ણ કરશે
આ બંને યુવા દોડવીરો સમગ્ર ભારતમાં દોડ દ્વારા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રાત્રી રોકાણ દરમિયાન યુવા વર્ગ સાથે વ્યસન મુક્તિ અંગે વાર્તાલાપ કરે છે, ભારતનું પરિભ્રમણ 15 હજાર કિલોમીટરના અંતર સાથે 2022માં દોડ પૂર્ણ કરશે. તેમ દોડવીર રૂપેશ મકવાણાએ જણાવ્યું હતું.