- કોરોના મહામારીના કારણે ફૂલ બજારમાં મંદી
- નવરાત્રિ તહેવાર દરમિયાન ફૂલ બજારમાં ગ્રાહકોની રોનક
- કોરોનાના કારણે સાર્વજનિક ઉત્સવ પર પ્રતિબંધ
અમદાવાદ : આ વર્ષે કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં ફૂલ બજાર બંધ રહ્યું હતું. લોકડાઉન ખુલ્યા બાદ પણ ગણેશોત્સવ, રથયાત્રા, જન્માષ્ટમી કે પછી નવરાત્રિ જેવા સાર્વજનિક ઉત્સવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિણામે ફૂલ બજારમાં ગ્રાહકો જોવા મળતા ન હતા.
નવરાત્રિ દરમિયાન ફૂલોની માંગમાં વધારો
નવરાત્રિના પહેલા જ દિવસથી ફૂલ બજારમાં રોનક જોવા મળી હતી. ગ્રાહકો પણ ફૂલોની ખરીદી કરવા આવ્યા હતા. આ અંગે વેપારીઓનું કહેવું છે, કે ગત વર્ષની સરખામણીએ 30-40 ટકા જેટલી જ ગ્રાહકી છે. અત્યારે ગલગોટાના ભાવ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા, ગુલાબના ભાવ 150થી 200 રૂપિયા, જ્યારે વેરાઈટી વાળા ફૂલોના ભાવ 200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે. સામાન્ય રીતે ગલગોટા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવે છે. ગુલાબના ફૂલ અમદાવાદના જિલ્લામાંથી આવ્યા છે. જ્યારે વેરાઈટી ફૂલો દિલ્હીથી આવી રહ્યા છે.
હજું નવરાત્રિના સાત દિવસ બાકી છે, આ ઉપરાંત દશેરા અને દિવાળીના ઉત્સવો પણ બાકી છે. ત્યારે ફૂલ બજારમાં તેજી જોવા મળે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : કોરોનાનો કહેર : લોકડાઉનને કારણે ફૂલોનું બજાર ઠપ્પ, ખેડૂતોને લાખોનું નુકશાન
ભારતમાં ફૂલોનું મોટું બજાર છે. રોજના હજારો ટન ફૂલો ગામડાઓથી મોટા શહેરો સુધી પહોંચે છે. ધાર્મિક સ્થાનો અને તહેવારો પર ફૂલોની વિશેષ માંગ રહે છે. જેમાં પણ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં ફૂલોની વધુ માંગ હોય છે. ત્યારે કોરોનાના રાક્ષસને નાથવા જાહેર થયેલા લોકડાઉનને જાહેર કરવામાં આવ્યુ છે. જેને કારણે ફૂલોની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવું પડી રહ્યું છે.