અમદાવાદ શહેરમાં વર્ષ-2018ની સરખામણીએ હત્યા, ધાડ, લૂંટ, ઘરફોડ, રાયોટીંગ, વ્યથા, મહાવ્યથા, અપહરણ, સરકારી નોકર પર હુમલો તથા અન્ય નાના અપરાધોમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત શહેરમાં ભયજનક, અસામાજિક પ્રવૃતિઓ અને મિલકત સબંધી અપરાઘ આચરનારા 1,518 ઇસમો વિરૂદ્ધ પોલીસ કમિશ્નર દ્વારા પાસા એક્ટ હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે.
2 વર્ષ દરમિયાન થયેલા અપરાધ
અપરાધનો પ્રકાર | 2018 | 2019 | તફાવત |
હત્યા | 98 | 80 | 18 |
ધાડ | 52 | 41 | 11 |
લૂંટ | 344 | 330 | 14 |
ઘરફોડ | 553 | 528 | 25 |
રાયોટીંગ | 188 | 138 | 50 |
સદી વ્યથા | 1081 | 1036 | 45 |
મહા વ્યથા | 195 | 177 | 18 |
અપહરણ | 421 | 412 | 9 |
સરકારી નોકર પર હુમલો | 100 | 87 | 13 |
પરચુરણ અપરાધ | 2978 | 2939 | 39 |
નિર્ભયા ફંડ હેઠળ મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મહિલાઓ જાહેર સ્થળ પર સુરક્ષા અનુભવે તેમજ છેડતી, જાતીય સતામણી જેવા ગુના બનતા અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા SHE ટીમ કાર્યરત કરવામાં આવશે. જે અનુસંધાને શહેરના તમામ ઝોનના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશન ખાતે એક-એક SHE ટીમ કાર્યરત કરવામાં આવી છે. SHE ટીમ દ્વારા બાળકોની સુરક્ષા પર પણ ખાસ પ્રાધાન્ય આપવમાં આવશે. આ ઉપરાંત સરકારી બસ સ્ટેશન, સ્કૂલ, કોલેજ, ટ્યુશન કલાસીસ, બાગ-બગીચા, માર્કેટ, ધાર્મિક સ્થળ, મોલ-મલ્ટીપ્લેક્સ વગેરે જેવા જાહેર સ્થળો પર ખાનગી કપડામાં પેટ્રોલિંગ કરીને નજર રાખવામાં આવશે. 2018માં SHE ટીમે 354 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી.
શહેર પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકોની સેવા અને સુરક્ષા માટે અપનાપન સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં એકલવાયા જીવન ગુજારતા હોય, તેવા સિનિયર સીટીઝનોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત સહાય મળી રહે તે માટે સિનિયર સીટીઝનોની પોલીસ સ્ટેશનમાં નોધણી કરવામાં આવશે. હાલ 680 જેટલા સિનિયર સીટીઝન નોંધાયા છે અને આગામી સમયમાં કુલ આશરે 5000 જેટલા સિનિયર સીટીઝનોની નોંધણી કરી તેમની સુરક્ષા અને સંભાળ લેવાય તે ધ્યેય નક્કી કરવામાં આવશે.