- ગુજરાત હાઇકોર્ટમાં પણ કોવિડ કેર સેન્ટર ઉભું કરાશે
- 50 બેડની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન
- ચીફ જસ્ટિસે આ માટેની મંજૂરી આપી
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોતાના સ્ટાફ અને વકીલો માટે પણ હાઇકોર્ટ સંકુલમાં આવેલા ઓડિટોરિયમમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવશે. આ સેન્ટરમાં 50 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવો અંદાજ છે. હાલ હોસ્પિટલના સંચાલકો સાથે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સંપર્ક કરી રહ્યું છે.
આ પણ વાંચો : હાઇકોર્ટમાં સુનવણી પૂર્ણ : સરકારને 108ની કામગીરી અને હોસ્પિટલમાં ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરવાની સૂચના
ચીફ જસ્ટિસ વિક્રમનાથે આ માટેની મંજૂરી આપી દીધી
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આ માટેની મંજૂરી આપી દીધી છે. જેમાં તમામ વ્યવસ્થા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને જાતે કરી કરવાની છે. શહેરમાં જોવા મળતી પરિસ્થિતિને લઇને આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં જે દર્દીઓને અહીં લાવવામાં આવશે, તેમને જમવાનું સીધે સીધું ફૂડ પેકેટ્સમાં આપવામાં આવશે.
આ પણ વાંચો : સરકાર કોરોનાના પારદર્શી અને સાચા આંકડા જાહેર કરે - ગુજરાત હાઇકોર્ટ
તમામ સુવિધા કોર્ટના સ્ટાફ અને ગુજરાત એડવોકેટ્સ એસોસિયેશનના સભ્યો માટે ઉભી કરવામાં આવશે
રાજ્ય સરકાર અને મનપાએ નક્કી કરેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવે તે મુદ્દે ખાસ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન, નર્સિંગ, મેડિકલ સ્ટાફ જેવી તમામ વ્યવસ્થા ઉભી કરવા સૂચના અપાઈ છે. આ તમામ સુવિધા કોર્ટના સ્ટાફ અને ગુજરાત એડવોકેટ્સ એસોસિયેશનના સભ્યો માટે ઉભી કરવામાં આવી રહી છે.