અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા અઢી મહિનાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. શરૂમાં ટેસ્ટિંગ વધ્યું હતું. પણ છેલ્લા પાંચ દિવસથી ટેસ્ટિંગમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતાં કેસ વધી રહ્યાં છે. ગુજરાત સરકાર કહી રહી છે કે, ટેસ્ટિંગ દરરોજ પાંચ હજારની ઉપર થઈ રહ્યાં છે, પણ હકીકત જુદી છે. અન્ય રાજ્યોની સરખામણીએ ટેસ્ટિંગ ઓછા થાય છે, તેમ છતાં અત્યાર સુધી ગુજરાત કોરોનાના કુલ કેસની સંખ્યા દ્રષ્ટિએ બીજા પછી ત્રીજા નંબરે હતું. બીજી તરફ રાજ્ય સરકારે લૉકડાઉન હળવું કરી દીધું છે. ગુજરાતમાં હાલ કેન્ટઈટમેન્ટ ઝોનમાં જ લૉકડાઉનનો અમલ છે. અને પહેલી જૂનથી ગુજરાતમાં લૉકડાઉન-5 વધુ હળવું કરવાના મૂડમાં રાજ્ય સરકાર છે.
ગુજરાત સરકાર પહેલી જૂનથી લૉકડાઉન ઢીલું કરવા જઈ રહી છે, તે અગાઉ રાજ્ય સરકાર ટેસ્ટિંગ ધીમે ધીમે ઘટાડી રહી છે. કોરોના ટેસ્ટ ખાનગી લેબને કરવા દેવા માટેની મંજૂરી આપવા માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને રજૂઆત કરી છે. ગુજરાત હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને કહ્યું છે કે, વધુમાં વધુ ટેસ્ટ થવા જોઈએ. જેથી કરીને લક્ષણ વગરના કોરોના દર્દી હોય તો બીજાને ચેપ ફેલાય નહી, અને ત્યાં અટકી જાય. હાઈકોર્ટના કહ્યા મુજબ વધુમાં વધુ લોકોના ટેસ્ટ થશે તો કોરોના વધુ ફેલાતો અટકશે. પણ રાજ્ય સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, રોજના પાંચ હાજર ટેસ્ટ થઈ રહ્યા છે. પણ છેલ્લા પાંચ દિવસથી ટેસ્ટની સંખ્યા ઘટતી જઈ રહી છે, જે રાજ્ય માટે ચિંતાનું કારણ છે.
ગુજરાત હાઈકોર્ટમાં સરકારે એમ કહ્યું હતું કે જો ટેસ્ટ વધારીએ તો 70 ટકા વસતીના કેસ પોઝિટિવ આવે! તે સમયે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટપારી હતી કે તેના આધારે તંત્ર ટેસ્ટ ના કરે કે ઓછા કરે તે ના ચાલે. તેમ છતાં ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ટેસ્ટિંગ ઘટી રહ્યા છે. આ અગાઉ કોંગ્રેસ દ્વારા પણ માંગ ઉઠી હતી, કે ટેસ્ટિંગ વધુમાં વધુ કરાય, પણ રાજ્ય સરકારે તેની ગતિએ જ કામ કરી રહી છે.
ખાનગી હોસ્ટિપલની લેબમાં કે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટને પરવાનગી આપવામાં આવશે તો ટેસ્ટિંગ વધી જશે. અને સમયસર ખબર પડશે કે પોઝિટિવ છે, તો તેની સારવાર કરાવે, અને હોમ કવોરેન્ટાઈન થઈ જશે, આથી તે વધુ ચેપ ફાવશે નહી. આમ થશે તો ગુજરાત પરથી મોટો ખતરો ટળી જશે.
ગુજરાતમાં કોરોના અંગેના છેલ્લા આંકડાકીય માહિતી
ગુજરાતમાં અત્યાર સુધીમાં 1,98,048 ટેસ્ટિંગ થયા છે. જેમાંથી એક્ટિવ કેસ 6611 છે, વેન્ટિલેટર પર 76 કેસ છે, અન સ્ટેબલ દર્દીઓ 6535 છે. કોરોનાથી સાજા થયેલા 8001 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે. ગુજરાતમાં 28 મે સુધીમાં કુલ મૃત્યુઆંક 960 છે. જિલ્લાઓમાં કુલ 3,13,729 વ્યક્તિઓ કવોરેન્ટાઈન થયેલા છે, જે પૈકી 3,05,443 વ્યક્તિઓ હોમ કવોરેન્ટાઈન છે અને 8,286 વ્યક્તિઓ ફેસીલિટી કવોરેન્ટાઈન છે.
ભરત પંચાલ, બ્યૂરો ચીફ, અમદાવાદ