અમદાવાદઃ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણનો સામનો અનેક લોકોને કરવો પડી રહ્યો છે ત્યારે એટલી હદ સુધી તેની અસર થઈ છે કે એક દંપતિએ નવજાત બાળક ત્યજી દીધું હતું, જે મામલે પોલીસે તપાસ કરીને બાળકના મા-બાપને શોધીને તેમની અટકાયત કરી છે.
સિવિલ હોસ્પિટલમાં ગત 24 જૂને એક નવજાત બાળકીને ત્યજીને દંપતી ફરાર થઈ ગયું હતું, જે મામલાની જાણ શાહીબાગ પોલીસને થતા પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી હતી. બાળકીના માતા-પિતા નહી મળતા તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને બાળકના માતા-પિતા સુધી પહોંચવા મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી, પરંતુ મોબાઈલ નંબર પણ તેમનો ખોટો હતો, જેથી બાળકીનો જ્યાં જન્મ થયો હતો ત્યાં બોપલ આરોગ્ય કેન્દ્ર સુધી પોલીસ પહોંચી હતી. અહીંથી અન્ય મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો હતો, જે અંગે તપાસ કરવામાં આવી હતી. પોલીસે નંબરના આધારે દંપતીની ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે દંપતીને અગાઉ 4 સંતાન છે અને લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ હોવાને કારણે આ બાળકને રાખવું નહોતું ઉપરાંત તેમની ઉંમર પણ વધુ હોવાને કારણે બેફાક ત્યજી દીધું હતું. સમગ્ર મામલે શાહીબાગ પોલીસે દંપતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.